ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ધોળાકુવા ખાતે મેટ્રોરેલ પ્રોજેક્ટનું યાર્ડ બનાવવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરથી ગામને જોડતા એપ્રોચ રોડ પર આ યાર્ડનો મેઈનગેટ બનાવવામાં આવ્યો છે. જેને પગલે અહીંથી દિવસભરમાં પસાર થતાં ભારે વાહનોની અવરજવર અને ઉડતી ધૂળથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે.
આ અંગે પૂર્વ કોર્પોરેટર હસમુખ મકવાણાએ કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા મુજબ અહીંથી પુરઝડપે પસાર થતાં ભારે વાહનોથી લોકો પરેશાન છે. ગ્રામજનોને અકસ્માતનો ભય રહે છે. ચોમાસામાં ખૂબ જ કાદવ-કીચડ થાય છે. જેને પગલે યાર્ડનો ગામ તરફનો ગેટ બંધ કરવા માંગણી કરાઈ છે. બીજી તરફ ગામમાંથી ગાંધીનગર શહેર તરફ જતાં સર્વિસ રોડને કોઈપણ સૂચના વગર બંધ કરી દેવાયો છે. જેને પગલે ગ્રામજનોને ગાંધીનગર તરફ જવા માટે બે કિલોમીટરનો ફેરો કરવો પડે છે. જો શોર્ટકટમાં રોંગ સાઈડ જાય તો પોલીસ મેમો આપે છે.
મોંઘવારીના આ જમાનામાં પેટ્રોલ-ડિઝલના વધેલા ભાવો વચ્ચે રોજનો બે કિલોમીટરનો ફેરો મહિનાના સરવાળે સામાન્ય પ્રજાને મોંઘો પડે છે. જેને પગલે તાત્કાલિક ધોરણે કોઈપણ જાતની જાહેરાત વગર બંધ કરાયેલો સર્વિસ રોડ શરૂ કરવા રજૂઆત કરાઈ છે.
ગીર ફાઉન્ડેશન દ્વારા સ્મશાનભૂમિમાં જવાનો રસ્તાં બંધ કરી દેવામાં આવ્યો!
કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆત મુજબ ગીરફાઉન્ડેશન દ્વારા ધોળાકુવાના ગ્રામજનોને સ્મશાનમાં જવાનો રસ્તા બંધ કરવામાં આવ્યો છે.વર્ષો જૂના આ રસ્તા ઉપરાંત ધોળાકુવાથી જ રોડને મળતો રસ્તો પણ બંધ કરી દેવાયો છે. જેના કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જો સ્મશાનનો રસ્તો શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.