ગુજરાતમાં દવાખાનાં તથા હોસ્પિટલોમાં દર્દીઓની OPDનું ભારણ ઓછું કરવા તથા લોકોને ફ્રીમાં ઘેરબેઠાં સારવાર મળી રહે તે માટે રાજ્ય વ્યાપી ઈ-સંજીવની મોબાઈલ એપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈ- સંજીવની OPDનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કોરોના કાળમાં આ ઈ- સંજીવની OPD દર્દીને સામાન્ય રોગ માટે ઘરેબેઠાં દવાનું પ્રિસ્ક્રિપ્શન આપવા સાથે સરકારી દવાખાના તથા આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે સારવાર આપનારુ ઉત્તમ માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઘરેબેઠાં દવા-સારવાર મેળવવાની આ નવતર પદ્ધતિ કોરોના સંક્રમણ સમયમાં સમયોચિત રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે. હવે આ ઇ-સંજીવની OPDથી આફતને અવસરમાં પલટવાના આપણા સંસ્કાર વધુ ઊજાગર થયા છે.
ઈ સંજીવની એપમાં ટુ-વે વિડીયો કોલીંગની સુવિધા
આ મોબાઇલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દરદી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઇલાજમાં વધુ અસરકારકતા આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ઇ-યુગમાં જેમ નાણાંકીય વ્યવહારો, નગરો-મહાનગરોના ટેક્ષ સહિતની સેવાઓ ઓનલાઇન છે તેમ હવે જન-જનના આરોગ્ય સુખાકારીની આ સેવા પણ એટ વન કલીક ઘર આંગણે મળતી થશે. નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, ગામોમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરેબેઠાં જ સારવાર-નિદાન થઇ શકશે.સારવાર માટે CHC/PHC કે દવાખાને આવવું જ પડે એવી સ્થિતીમાંથી મુકિત મળશે. આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે તેવી વ્યવસ્થા વિકસાવી છે. ફોન પર ડાયગ્નોસીસ આપતી આ સેવા આધુનિક ટેકનોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.