વાવેતર વધવાની આશા:જિલ્લામાં 3 ટકા વરસાદથી ખેડૂતોએ ખરીફ પાકનું 39.12 ટકા વાવેતર કર્યું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે 16.02 ટકા વરસાદ થતાં વાવેતર વધવાની ખેતીવાડી વિભાગને આશા
  • ડાંગરનું 461 અને ડાંગરના ધરૂનું 892 હૅક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું

જિલ્લામાં 30 જૂને માત્ર 3 ટકા વરસાદ થયો હોવા છતાં ખેડૂતોએ ખરીફ પાકનું 39.12 ટકા વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 16.02 ટકા વરસાદ થતાં આગામી સમયમાં ખરીફ પાકનું વાવેતર વધવાની શક્યતા છે. ગત વર્ષે તાઉતેને પગલે ચોમાસું લંબાતાં ખરીફ પાક બચાવવા ખેડૂતોને બોરકૂવા ઉલેચવાની ફરજ પડી હતી.

જોકે આ વર્ષે ચોમાસું સારૂં હોવાની હવામાન વિભાગે આગાહી કરી હતી પરંતુ જુલાઈના 10 દિવસ પૂરા થવા છતાં જિલ્લામાં માત્ર 16.02 ટકા જ વરસાદ પડ્યો છે. જોકે 11 જુલાઈ, 2021 સુધીમાં 8.88 ટકા જ વરસાદ પડ્યો હતો. તેમ છતાં જિલ્લામાં 58353 હૅક્ટરમાં વાવેતર કરાયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં ખરીફ પાકનું 50690 હૅક્ટરમાં વાવેતર કરાયું છે.

જોકે ગત વર્ષનો આર્થિક માર સહન કર્યા બાદ ચાલુ વર્ષે ખેડુતો ખરીફ પાકનું વાવેતર વિચારીને કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબલ પડ્યો હોવા છતાં વાવેતરને લઇને ખેડૂતો ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા હોય તેમ વાવેતર પરથી લાગી રહ્યું છે.

જિલ્લામાં આ વર્ષે થયેલું ખરીફ વાવેતર
આ વર્ષે ખરીફ વાવેતરમાં ડાંગરનું 461, બાજરીનું 154, મગનું 121, મઠનું 7, અડદનું 6, મગફળીનું 7505, દિવેલાનું 43, કપાસનું 19832, ગુવારનું 85, શાકભાજીનું 7197 અને ઘાસચારાનું 14387 હૅક્ટરમાં વાવેતર કર્યું છે. જ્યારે ડાંગરની ધરૂનું 892 હૅક્ટરમાં વાવેતર કર્યું હોવાથી સારો વરસાદ પડશે તો ડાંગરનું વાવેતર વધવાની શક્યતા રહેલી છે.

જિલ્લામાં સૌથી વધુ માણસામાં વાવેતર
ચારેય તાલુકામાંથી સૌથી વધુ માણસા તાલુકામાં 17857 હૅક્ટર, બીજા ક્રમે દહેગામ તાલુકામાં 15978 હૅક્ટર, ત્રીજા ક્રમે ગાંધીનગર તાલુકામાં 12719 હૅક્ટર અને કલોલ તાલુકામાં 4136 હૅક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...