કપરા ચઢાણ:નવી સરકારના મંત્રી મંડળમાં ધુરંધર મંત્રીઓને પડતાં મૂકાતા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જીતવી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બનશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપા ચૂંટણી જીતવા ગાંધીનગરના વોર્ડ દીઠ મંત્રીઓને જવાબદારી સોંપાઈ હતી
  • નવા ચહેરા ગાંધીનગરનાં ભૂગોળ ઈતિહાસ અને રાજકારણથી સાવ અજાણ હોઇ ચૂંટણી જીતવા કપરા ચઢાણ રહેશે

ગુજરાત રાજયના મુખ્યમંત્રી બદલ્યા પછી મોવડી મંડળે રાજકારણ જૂના ધુરંધર મંત્રીઓને પણ સાઈડ લાઈન કરીને મંત્રી મંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવતા આગામી ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાનાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઇ શકે છે. મનપાની ચૂંટણી જીતવા માટે ભાજપે વોર્ડ દીઠ મંત્રીઓને જવાબદારી સોંપાઈ હતી, પરંતુ એજ મંત્રીઓનાં પત્તા કાપી નાખી સાઈડ લાઈન કરી દેવામાં આવતા ગાંધીનગર ભાજપ બેકફૂટ પર આવી ગયું છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું એકાએક રાજીનામું લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સૌ કોઈને પ્રથમ આંચકો આપ્યો હતો. એજ રીતે નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને ગુજરાતનું સુકાન સોંપી દઈ બીજો 440 વોલ્ટનો ઝટકો આપવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હજી બે વખત અકલ્પનીય આંચકા આપ્યા પછી રાજ્ય સરકારના મંત્રી મંડળમાં પણ જળમૂડથી દિગ્ગજ મંત્રીઓને પડતાં મૂકી નવા જ ચહેરાને મંત્રી મંડળમાં સ્થાન આપી સૌ કોઈને ચોંકાવી દેવામાં આવ્યા છે.

જૂના ધુરંધર મંત્રીઓના સહારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવાની તૈયારી કરનાર ગાંધીનગર જિલ્લા અને શહેર ભાજપ સંગઠન પણ સ્તબ્ધ થઈ ગયુ છે. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મનપાની ચૂંટણીની તારીખો જાહેર થતા તમામ પક્ષો સક્રિય બન્યા છે.

ચૂંટણીના આ જંગને જીતવાની રણનીતિમાં ઘડી કાઢી ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને જોરશોરથી તૈયારી કરાઈ રહી છે. ત્યારે આ વખતે મનપાની તમામ બેઠકો જીતવાના દાવા સાથે ભાજપ દ્વારા 11 મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપાઈ હતી અને સમગ્ર ચૂંટણીનું સુકાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સોપવામાં આવ્યું હતું. ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાના આદેશો પણ અપાઈ ચૂક્યા હતા.

ગાંધીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો લોકસભા મત ક્ષેત્ર વિસ્તાર હોવાથી કોર્પોરેશનની ચૂંટણી જીતવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન બની ગઈ છે. એટલા માટે જ પ્રદેશ કક્ષાએથી 11 મંત્રીઓને વિશેષ જવાબદારી સોપવામાં આવતા જિલ્લા ભાજપ સંગઠન તેમજ કાર્યકરો ઘેલમાં આવી ગયા હતા.

હવે જ્યારે રાતોરાત મુખ્યમંત્રી સહિતના તમામ ધુરંધર મંત્રીઓને પડતાં મૂકી નવા જ મુખ્ય પ્રધાન સાથે નવા ચહેરાને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવતા ગાંધીનગર ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. કેમકે આગામી દિવસોમાં પડતાં મુકાયેલા મંત્રીઓ પણ કાંઈ નવા જુની કરે તેવી સ્થિતિ ઉભી થઈ ચૂકી છે. એવામાં જે મંત્રીઓનાં સહારે કોર્પોરેશનની ચૂંટણી જીતવા નીકળેલા ભાજપ માટે ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.

બીજી તરફ ભાજપની નો રિપીટ થિયરીના કારણે ગાંધીનગર પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર સહિત કોર્પોરેટરોને પડતાં મૂકી દેવાયા છે. જેનાં કારણે હાલમાં ચૂંટણી પ્રચારમાં જતાં કોર્પોરેટરો જોડે રહીને જ પોતાના જ ઉમેદવારોને હરાવવા અંદર ખાને પેતરા કરવા માંડ્યા છે. જેનાં કારણે પણ ભાજપનાં ઉમેદવારોને જીતવું કપરું બની ગયું છે. ત્યારે આગામી ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાનાર કોર્પોરેશનની ચૂંટણી જીતવી ભાજપ માટે કપરા ચઢાણ લાયક સાબિત થવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...