લવ-જેહાદવિરોધી કાયદો:15 જૂનથી અમલી થશે; કાયદો તોડવો બિનજામીનપાત્ર, કોગ્નિઝેબલ ગુનો, 3થી 10 વર્ષ કેદ અને 5 લાખ સુધીનો દંડ થશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભામાં લવ-જેહાદ કાયદો પસાર કર્યા બાદ રાજ્યપાલે મંજૂરી આપી હતી - ફાઇલ તસવીર. - Divya Bhaskar
વિધાનસભામાં લવ-જેહાદ કાયદો પસાર કર્યા બાદ રાજ્યપાલે મંજૂરી આપી હતી - ફાઇલ તસવીર.

ગુજરાત સરકાર લવ-જેહાદીવિરોધી કાયદાનું અમલીકરણ 15 જૂનથી કરવા જઈ રહી છે. અગાઉ રાજ્યપાલે ધર્મ સ્વાતંત્ર્ય સુધારાને લગતા વિધેયકને મંજૂરી આપતાં હવે આ દિવસે રાજ્ય સરકાર આ કાયદાના નિયમ અમલી કરતું જાહેરનામું બહાર પાડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે આ કાયદાને અમલી બનાવવાની જાહેરાત કરી હતી. લવ-જેહાદવિરોધી કાયદો અમલમાં આવતાં રાજ્યમાં હવે બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવી લગ્ન કરનારા-કરાવનારા સામે કાર્યવાહી થશે. કસૂરવારોને 3થી 10 વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થશે.

તપાસ DySP કે તેથી ઉપરના અધિકારી કરશે
ગુજરાત સરકારે ગત વિધાનસભા સત્રમાં પ્રવર્તમાન કાયદામાં સુધારો કરી લવ જેહાદની પ્રવૃત્તિઓ કરતા લોકો પર અંકુશ લાદવા વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયકને મંજૂરી મળતાં કાયદામાં સુધારો કરી રાજ્ય સરકાર નવા નિયમો લાગુ કરશે. આ કાયદા પ્રમાણે ભોગ બનનારી વ્યક્તિના કોઈ પણ નજીકનાં સગાં ફરિયાદ નોંધાવી શકશે અને ધર્મપરિવર્તન કરાવનારા લોકો અને તેમાં સામેલ સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. લવ જેહાદ વિરોધી કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નિઝેબલ ગુના ગણાશે તેમ જ તેની તપાસ ડીવાયએસપી કે તેથી ઉપરના દરજ્જાના અધિકારી કરશે.

આ કાયદા હેઠળ શું શું જોગવાઈ રહેશે?

  • માત્ર ધર્મપરિવર્તનના હેતુથી કરેલાં લગ્ન કે લગ્નના હેતુથી કરેલા ધર્મપરિવર્તનના કિસ્સામાં થયેલા લગ્ન ફેમિલી કોર્ટ/ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરાશે.
  • કોઈપણ વ્યક્તિ સીધી રીતે, બળપૂર્વક, લલચાવીને, કપટયુક્ત સાધનો દ્વારા, લગ્ન દ્વારા, લગ્ન કરાવવા કે લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મપરિવર્તન કરાવી શકશે નહીં.
  • ગુનો કરનાર-કરાવનાર, મદદ કરનાર-કરાવનાર કે સલાહ આપનાર-અપાવનાર તમામ વ્યક્તિ સમાન પ્રકારે દોષિત ગણાશે.
  • પરાણે ધર્માંતરણ કરી લગ્ન કરનાર-કરાવનારી વ્યક્તિને 3થી 5 વર્ષની કેદ અને ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો દંડ થશે.
  • સગીરા, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત આદિજાતિની મહિલા ભોગ બની હોય તો 4થી 7 વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછો 3 લાખનો દંડ થશે.
  • આ કૃત્યમાં સામેલ થનારી સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરી, સંસ્થાના લોકોને 3થી 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ થશે. આવી સંસ્થાને રાજ્ય સરકાર તરફથી કોઈ સહાય મળશે નહીં.
  • કોઈ નારાજ થયેલી વ્યક્તિ ભોગ બનનારી મહિલાનાં માતા-પિતા, ભાઈ-બહેન કે લોહીની સગાઈથી, લગ્નથી કે દત્તક સ્વરૂપે હોય તેઓ આવા ધર્મપરિવર્તન તથા લગ્ન સામે એફઆઈઆર દાખલ કરાવી શકશે.
  • આ અંગે સાબિત કરવાનો ભાર (Burden of Proof) આરોપી, ધર્મપરિવર્તન કરાવનારા તથા સહાયક પર રહેશે.