ચૂંટણી 2022:ગાંધીનગરમાં મહિલાને ટિકિટ આપવા મુદ્દે ભાજપ ઈતિહાસ બદલશે કે યથાવત્ રાખશે?

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ઉત્તર કે દક્ષિણમાંથી કોઈ મહિલાને ટિકિટ મળે તેવી ભાજપમાં ચાલી રહેલી ચર્ચા
  • ગાંધીગનરની 4 બેઠકો માટે મોવડીઓ ગૂંચાયા હોવાની ચર્ચા

શુક્રવારે બપોરે ભાજપની બીજી યાદી જાહેર થવાની વાતને પગલે નેતાઓ કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જોકે કોઈ જાહેરાત ન થતાં નેતાઓ આશ્ચર્યમાં મુકાયા હતા. ગાંધીનગરની ચાર બેઠકોની વાત કરીએ ઉમેદવારોની પસંદગી મુદ્દે મોવડીઓ પણ ગુંચવાયા હોવાનું કહેવાય છે. કારણ કે એક તરફ ભાજપમાં અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ અથવા કલોલ ખાતે ટિકિટની વાતો વચ્ચે કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવાના હોવાની વાતો વહેતી થઈ હતી.

ગાંધીનગર ઉત્તરમાં ભાજપ દ્વારા મહિલા ઉમેદવારની ટિકિટ લગભગ ફાઈનલ હોવાની વાતો વહેતી થઈ હતી. ગાંધીનગર જિલ્લાની વિધાનસભા બેઠકોના ઇતિહાસમાં અત્યાર સુધી ભાજપે કોઈ મહિલાને ટિકિટ ફાળવી નથી. ત્યારે હવે ભાજપ ઈતિહાસ યથાવત રાખશે કે બદલશે તે જોવાનું રહે છે. આ તરફ ગાંધીનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસના બંને દાવેદારો હાલ સામસામે પોતાનો દાવપેચ રમી રહ્યાં છે. જેમાં એક દાવેદારે મોવડીઓને કહીને હાલ જાહેરાત રોકાવી છે તો એક દાવેદાર દ્વારા સામેના નેતાની પસંદગી થશે તો કોંગ્રેસનો ગરબો ઘરે આવશે તેવી રજૂઆતો કરી હોવાનું કહેવાય છે. જો શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવી શક્યતા છે.

ભાજપના ઉત્તરના દાવેદાર દ્વારા સમર્થકોને એકઠા કરાયા, જાહેરાતની રાહ જોવાતી હોય તેવો માહોલ
ગાંધીનગર ઉત્તર માટે ભાજપના એક દાવેદાની ટિકિટ કન્ફર્મ થઇ ગઈ હોય તેમ શુક્રવારે સવારે પોતાની ઓફીસ ખાતે સમર્થકોને એકઠા કરી દીધા હતા. ભાજપના મોવડીએ તરફથી માત્ર જાહેરાતની જ રાહ હોય તેવો માહોલ ઉભો થઈ ગયો હતો. જોકે જાહેરાત ન થતા સ્થાનિકો ફરી વિચારમાં પડી ગયા હતા. બીજી તરફ અન્ય એક દાવેદાર દ્વારા કોઈપણ રીતે નામ જાહેર થાય અને પોતાનું નહીં તો પક્ષના પ્રતિસ્પર્ધીનું પણ ન નહીં તે રીતે છેક સુધીનો પ્રયત્નો કર્યા હતા.

ગાંધીનગરમાં અલ્પેશ નહીં તો કોઈ મહિલાને ટિકિટ
ગાંધીનગર દક્ષિણમાં જો અલ્પેશ ઠાકોરને ટિકિટ ન મળે તો કોઈ મહિલાને ટિકિટ મળે તેવી પણ શક્યતાઓ પણ જોવાઈ રહી છે. જો ગાંધીનગર દક્ષિણમાં મહિલાને ટિકિટ અપાય તો ગાંધીનગર ઉત્તરમાં મહિલાની ટિકિટ કપાય તેમ છે. આ તરફ માણસા ખાતે કોઈ પાટીદારને ટિકિટ મળે તેમ હોવાથી ચર્ચાઓ ભાજપમાં શરૂ થઈ છે. ગાંધીનગર દક્ષિણમાં હિમાંશુ પટેલને કારણે અલ્પેશ ઠાકોરનો ઝોક કલોલ તરફ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...