પ્રેમલગ્નએ જીવન બગાડ્યું:પત્ની રિસાઈને પિયર જતી રહી, માતાએ તેડવા જવાની ના પાડતાં યુવક આત્મહત્યાના ઇરાદે ગાંધીનગર આવ્યો, પોલીસે જીવ બચાવ્યો

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરી લીધા હતા
  • દંપતિ વચ્ચે ઝગડો થતાં પત્ની રિસાઈને જતી રહી હતી
  • ડભોડા પોલીસે સમયસૂચકતા વાપરી અજુગતી ઘટના અટકાવી

પ્રેમ લગ્ન કર્યા બાદ અમદાવાદના યુવકની હાલત કફોડી બનતાં આત્મહત્યાના ઇરાદે ગાંધીનગરની કેનાલ પર આવી ગયો હતો. જોકે, ડભોડા પોલીસની સી ટીમે સમયસૂચકતા વાપરી યુવક અજુગતું પગલું ભરે તે પહેલાં જ તેને અટકાવી દઈ સરાહનીય કામગીરી કરી હતી.

પરિવારજનોની મંજૂરી વિના પ્રેમ લગ્ન કર્યા પછી ઘરકંકાસનાં કારણે પત્ની રિસાઈને જતી રહી હતી. ત્યારે માતાએ પણ પ્રેમ લગ્ન તે કર્યા છે તેવું કહી પુત્રવધૂને તેડી લાવવાની ઘસીને ના પાડી દેતા માતા પુત્ર વચ્ચે ઝગડાઓ થવા લાગતાં નાસીપાસ થયેલો અમદાવાદનો યુવક ઘરનો ત્યાગ કરી ગાંધીનગર કેનાલ પર આવી ગયો હતો. ત્યારે ડભોડા પોલીસે સમયસૂચકતા વાપરી યુવક અજુગતું પગલું ભરે તે પહેલાં જ તેને અટકાવ્યો હતો.

અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા રાહુલ પરમારને એક યુવતી સાથે પરિચય થયો હતો. સમય જતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને બંનેએ લગ્ન કરી લેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ પરિવારજનોને પ્રેમ લગ્ન મંજૂર હતા નહીં.

રાહુલને તેના પરિવારે ઘણો સમજાવ્યો હતો. તેમ છતાં તેણે પરિવારની અવગણના કરીને પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. જેનો શરૂઆતમાં ખાસ્સો એવો ઘરના સભ્યોએ વિરોધ કર્યો હતો. પરંતુ પુત્ર પ્રેમ આગળ માતાએ નમતું ઝોખીને પુત્રવધૂનો સ્વીકાર કરી લીધો હતો. જોકે, થોડા સમય પછી દંપતિ વચ્ચે નાની નાની બાબતોમાં ઝગડા શરૂ થઈ ગયા હતા. બન્ને વચ્ચેનાં પ્રેમમાં ઝગડાની લીટી મોટી થવા લાગી હતી.

આખરે રોજ રોજના ઝગડાથી કંટાળીને રાહુલની પત્ની રિસાઈને પોતાના ઘરે જતી રહે છે. રાહુલ તેને પરત લઈ આવવા ઘણા પ્રયત્નો કરે છે પણ તેની પત્ની ટસની મસ થતી ન હતી. છેલ્લે હારી થાકીને રાહુલ પત્નીને તેડી લાવવા માટે માતાને કહે છે. એટલે માતા તેને રોકડું પકડાવી દે છે કે, પ્રેમ લગ્ન તે કર્યા હતા. અમે લોકો શું કામ વચ્ચે પડીએ. ઘણા દિવસો વીતી જાય છે પણ માતા તેમજ પરિવારનાં કોઈ સભ્યો પત્નીને રિસામણાંથી પરત લાવવાની કોઈ દરકાર કરતાં ન હોવાથી રાહુલ તેમની સાથે પણ ઝગડા કરવા માંડે છે.

છેલ્લા પાંચ દિવસથી પત્નીને તેડી લાવવાની બાબતે માતા-પુત્ર સાથે ઝગડા ચાલી રહ્યા હતા. આખરે નાસીપાસ થઈને રાહુલ ઘરનો ત્યાગ કરીને ગાંધીનગર લીંબડીયા નર્મદા કેનાલ આવી ગયો હતો. અને કેનાલની પાળીએ બેસી વિચારોના વમણમાં ખોવાઈ ગયો હતો. ત્યારે ડભોડા પોલીસ મથકની સી ટીમના ઈન્ચાર્જ મહિલા કોન્સ્ટેબલ હિનાબેન અશોકભાઈ તેમજ કોન્સ્ટેબલ હેતલબેન ખોડાજી, રીટાબા ભૂપતસિંહ પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

એ સમયે રાહુલને ઘણીવાર સુધી કેનાલની પાળીએ બેઠેલો જોઈ તુરંત તેની પાસે પહોંચી ગયા હતા અને જરૂરી પૂછતાંછ કરતાં રાહુલે પોતાની આપવીતી વર્ણવી હતી. બાદમાં સી-ટીમે રાહુલનું કાઉન્સિલિંગ કરી તેની માતાને પણ ગાંધીનગર બોલાવી લીધા હતા. તેઓ રાહુલ કેનાલ આવી ગયો હોવાની વાત સાંભળી ચોંકી ગયા હતા અને પુત્ર કોઈ અજુગતું પગલું ભરે તે પહેલાં પહોંચી જવા બદલ સી-ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...