જુની અદાવતમાં હુમલો:તું કેમ ગોવિંદ ઠાકોર થઈને ફરે છે, ફરીવાર આવા રોલ ભજવીશ તો મર્ડર કરી નાખવાની ધમકી આપી ફિલ્મ સ્ટાર રાકેશ પાંડે પર હુમલો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મ સ્ટારના મીત્રએ જ જુની અદાવતમાં હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
  • રાકેશ પાંડેની ફરિયાદના પગલે સત્યેન્દ્રની ધરપકડ કરી જામીન પર છોડી દેવામાં આવ્યો

ગુજરાતી ફિલ્મનાં જાણીતા એક્ટર રાકેશ પાંડે પર એક શખ્સે હુમલો કર્યો હતો. "તું કેમ ગોવિંદ ઠાકોર થઈને ફરે છે" ફરીવાર આવા રોલ ભજવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી એક શખ્સે રાકેશ પાંડે પર હુમલો કરતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગરના ઈન્ફોસિટી ટાઉનશીપમાં રહેતા ગુજરાતી ફિલ્મના એક્ટર રાકેશ હવાલદાર પાંડે સાથે જુની અદાવતમાં તેમના જ મિત્રે માથાકૂટ કરી ઝપાઝપી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ એક્ટર રાકેશ પાંડે ઈન્ફોસિટી ખાતે ઓમ મોશન પિક્ચર નામની ઓફિસ ધરાવે છે. ગઈકાલે તેઓ ઘરે થી ઓફિસ ગયા હતા. એ વખતે ઓફિસના પ્રથમ માળે સત્યેન્દ્ર યાદવ સામે મળ્યો હતો.

જેની સાથે રાકેશ પાંડેએ કોઈ વાત કરી ન હતી. તેમ છતાં સત્યેન્દ્ર યાદવે એક્ટર રાકેશ પાંડેને રોકીને " તું કેમ ગોવિંદ ઠાકોર બનીને ફરે છે" તેમ કહીને જેમતેમ ગાળો ભાંડી હતી. જેથી રાકેશ પાંડેએ ગાળો બોલવાની ના પાડતાં સત્યેન્દ્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પાંડેનો કોલર પકડી લઈ હુમલો કર્યો હતો.

આ દરમિયાન બન્ને વચ્ચે ઝપાઝપી થતાં રાકેશ પાંડે એ તેને હાથથી દૂર કર્યો હતો. છતાં પણ સત્યેન્દ્રએ પાંડેનો ડાબો હાથ જોરથી પકડી રાખતાં તેમની ઘડિયાળ તૂટી ગઈ હતી. બાદમાં સત્યેન્દ્ર આજે તો જવા દઉં છું ફરીવાર આવો એટલે કે ગોવિંદ ઠાકોરનો રોલ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. જેનો રાકેશ પાંડેએ પીછો પણ કર્યો હતો. પરંતુ સત્યેન્દ્ર યાદવ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ પી. પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, રાકેશ પાંડે અને સત્યેન્દ્ર બન્ને જુના મિત્રો છે. જુની અદાવતમાં બન્ને વચ્ચે માથાકૂટ થઇ હતી. રાકેશ પાંડેની ફરિયાદના પગલે સત્યેન્દ્રની ધરપકડ કરી જામીન પર છોડી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...