પુત્રના જાજરમાન લગ્ન કરનાર ઉદ્યોગપતિને ઓળખો:રાજકોટના મૌલેશ ઉકાણી સેસા ઓઇલ વેચી કમાયા હતા રૂ.1200 કરોડ, 16 હજારના રોકાણથી કંપનીની શરૂઆત કરી હતી, આજે કરોડોનું ટર્નઓવર

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે તા.14થી 16 નવેમ્બરના રોજ લગ્નનું આયોજન
  • બાન લેબ્સ કંપનીની મૌલેશભાઇએ એક ઉંચાઇ પર પહોંચાડી

રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ પટેલે પોતાના પુત્રના રજવાડી લગ્નનું આયોજન કર્યું છે. તેમણે જોધપુરના વૈભવી મહેલ ઉમેદભવનને પુત્રના લગ્ન માટે બુક કરાવ્યો છે. આ એ જ પેલેસ છે જ્યાં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે મેરેજ કર્યા હતા. ત્યારે આ વૈભવી પેલેસમાં પોતાના પુત્રના લગ્ન યોજનારા રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ પટેલ-ઉકાણી કોણ છે? એ જાણવા સૌકોઇ ઉત્સુક હશે. તો તમને જણાવી દઈએ કે મૌલેશ ઉકાણી સેસા હેઇર ઓઇલની બ્રાન્ડની માલિકી ધરાવતા હોવાથી દેશભરમાં જાણિતા છે. તેઓ પોતાની આ જાણિતી બ્રાન્ડ સેસાને 1200 કરોડ રૂપિયામાં વેચીને માલામાલ થયા હતા. એટલું જ નહીં એક સમયે મૌલેશ ઉકાણીએ મસમોટો એડવાન્સ ટેક્સ ભરીને પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું.

મૌલેશભાઇના પિતાએ માત્ર 16 હજારના રોકાણથી કંપની શરૂ કરી હતી
બાન લેબ્સ કંપનીની મૌલેશભાઇએ એક ઉંચાઇ પર પહોંચાડી છે.1966માં મૌલેશભાઇના પિતાએ ડાહ્યાભાઇ પટેલે માત્ર રૂપિયા 16 હજારના રોકાણથી કંપનીની શરૂઆત કરી હતી. હાલ કંપની હજારો કરોડના ટર્નઓવર પર પહોંચી છે. મૌલિકભાઇ માત્ર ઉદ્યોગમાં જ નહીં પણ સામાજિક ક્ષેત્રે કાર્યરત 40 જેટલી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. દ્વારકાધીશમાં શ્રદ્ધા ધરાવનારા મૌલેશભાઈની જયારે દ્વારકા મંદિરના ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવી ત્યારે તેઓએ એ ઘડીને જીવનની સર્વ શ્રેષ્ઠ હોવાની અને ભગવાનની સેવા કરવાનો મોકો આપ્યો હોવાનું મૌલેશભાઇએ માધ્યમોને જણાવ્યું હતુ.

હેર ઓઇલ બ્રાન્ડનો મોટાભાગનો હિસ્સો રૂ. 1250 કરોડમાં વેચ્યો હતો
ઉમેદભવન પેલેસમાં લગ્ન યોજવાની સાથે તેમના દિકરોના લગ્નમાં એક કંકોત્રી પાછળ સાત હજારનો ખર્ચો કરવાની બાબતને લઇને પણ ચર્ચામાં આવેલા મૌલેશભાઇ ઉકાણીએ તેમની હેર ઓઇલ બ્રાન્ડનો મોટાભાગનો હિસ્સો રૂ 1250 કરોડમાં વેચ્યો હતો. મૌલેશભાઇ ઉકાણીની આ કંપનીને પ્રાઇવેટ ઇકવીટી એટલેકે વિવિધ કંપનીઓમાં હિસ્સો લઇને તેના નફામાં ભાગીદાર બનતી કંપની ટ્રુ નોર્થને 75 ટકા હિસ્સો વેચ્યો હતો અને હજુ મૌલેશભાઇ 25 ટકા હિસ્સો ધરાવે છે.

મૌલેશભાઇની કંપનીએ રૂ 257 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો
બિઝનેસમેન મૌલેશભાઇ ઉકાણીએ પોતાની કંપની બાન લેબના પારદર્શી વહીવટ વ્યવહારથી કરોડો રૂપિયા એડવાન્સટેકસ ભરી રાજકોટ-સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યુ છે. તેવા અહેવાલ મીડિયામાં 2018માં બહાર આવ્યા હતા. કંપનીએ તેના વ્યવહારોને પગલે અને તેની બ્રાન્ડની ગુણવત્તાને કારણે સૌરાષ્ટ્રમાં નામના પ્રાપ્ત કરી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં આવડો મોટો એડવાન્સ ટેક્સ ભરનાર તેમની કંપની પ્રથમ હતી.

આજથી બે દિવસ વૈભવી લગ્નનું આયોજન
રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14થી 16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે.

હનીમૂન સ્યૂટનું એક નાઇટનું ભાડું રૂ. સાડા સાત લાખ
રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14 થી 16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાઇ રહ્યાં છે. જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાનારા આ ઉદ્યોગપતિ પરિવારના જાજરમાન લગ્ન સમારોહમાં ત્રણ દિવસના ફંક્શન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં તારીખ 14 થી 16 નવેમ્બર માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ બુક કરવામાં આવ્યા છે. લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને જ આમંત્રણ અપાયું છે. જોધપુરના ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી હોટલ ગણવામાં આવે છે. અહીંના હનીમૂન સ્યૂટનું ભાડું રૂપિયા સાડા સાત લાખ પ્રતિ રાત્રી છે.

અન્ય સમાચારો પણ છે...