ભાસ્કર એનાલિસિસ:રાજ્યમાં પીવાનું પાણી મળવું દોહ્યલું છે, ત્યારે 4339 જેટલાં પાણીના સ્ટોરેજ સ્ત્રોત ભગવાન ભરોસે...!!

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દિનેશ જોષી
  • કૉપી લિંક
  • પાણીના સ્ત્રોતને રાજ્ય સરકાર આઇડેન્ટિફાઇ ન કરી શકતા જાળવણી માટેની કોઇ દરકાર લેવામાં આવતી નથી
  • પાણીની તંગીને નિવારવા પાણી પહોચાડવા કરોડોનો ખર્ચ, બીજી બાજું, સ્થાનિક સ્ત્રોતની અ‌વગણના
  • પાણીના સ્ત્રોતમાં પાણીનો સંગ્રહ થતો હોવાથી પીવાનુ-સિંચાઇનું પાણી પૂરું પાડી શકાય છે, ભૂ્ર્ગભ જળ ઊંચા લાવવામાં ફાયદો
  • રાજ્યમાં કુલ 55314 વૉટર બોડીઝ પૈકી ગ્રામ્યમાં 50244,શહેરી વિસ્તારમાં 731 છે

બારેમાસ પીવા અને સિંચાઇ માટે પાણી જોઇએ તો તળાવ,જળાશયો જેવા પાણીના સ્ટોરેજ સ્ત્રોતનું (વૉટર બોડીઝ)નું સંરંક્ષણ પણ જવાબદારીપૂર્વક થવું જોઇએ. વૉટરબોડીઝનું સંરક્ષણ કરવાની પ્રજાની જવાબદારી સ્વૈચ્છિક છે, પણ રાજ્ય સરકારની ફરજીયાત છે.

રાજ્યમાં કચ્છ,બનાસકાંઠા જેવા વિસ્તારોમાં સિંચાઇની વાત છોડી દયો,પીવાનું પાણી પણ મળવું દોહ્યલુ છે ત્યારે પાણીનું સંરક્ષણ કરતી 4339 વૉટર બોડી રામભરોસે હોવાનું બહાર આવ્યું છે. આ વૉટર બોડીઝને રાજ્ય સરકારે હજુ આઇડેન્ટિફાઇ જ કરી નથી. એકબાજું નર્મદાના નીર પહોંચાડવા અને સુજલામ સુફલામ યોજનામાં ઠાલવવા કોરડોનો ખર્ચ થઇ રહ્યો છે ત્યારે સ્થાનિક સ્તરે હયાત 4339 વૉટર બોડીનું સંરક્ષણ થતું નથી અને ભગવાન ભરોસે હોવાનું બહાર આવ્યું છે.

રાજ્યમાં 30 સપ્ટેમ્બર,2020ની સ્થિતિએ કુલ 55314 વૉટર બોડી છે. રાજ્યમાં આ પૈકી ગ્રામ્ય વિસ્તારના 50244 તેમજ શહેરી વિસ્તારના 731 વૉટર બોડીઝ મળીને કુલ 50975 વૉટર બોડીઝ આઇડેન્ટિફાઇ કરવામાં આવ્યા છે. જયારે ગ્રામ્ય વિસ્તારના 4157 તેમજ શહેરી વિસ્તારના 182 મળીને કુલ 4339 વૉટરબોડીઝ આઇડેન્ટિફાઇ કરવાની બાકી છે. રાજ્યની 50975 વૉટરબોડી આઇડેન્ટિફાઇ થતા તેની જાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઇ રહીં છે,પણ જે 4339 વૉટરબોડીઝ આઇડેન્ટિફાઇ થઇ નથી તેની જાળવણીની જવાબદારી રાજ્ય સરકારની ન હોવાથી તેની જાળવણી બરાબર થઇ રહીં નથી.

આઇડેન્ટિફાઇ કરાયેલી વૉટર બોડીઝની જમીન પર કોઇ કબ્જો કરે કે વૉટર બોડીઝને કોઇ નુકશાન થયું હોય તો તેને સરખું કરવાની જવાબદારી સરકારની થઇ જાય છે અને કાર્યવાહી કરવામાં આવે છે.એકબાજું રાજ્યમાં પાણીની તંગી છે ત્યારે વૉટરબોડીઝની સમયસર જાળવણી ન થાય તો આસપાસના ભૂસ્તરમાં પાણીનું સ્તર વધે નહીં,સંગ્રહ શકિત વધે નહીં. પાણીનું સ્તર વધે નહીં તો પાણીની તંગી પડવાની છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર 4339 વૉટરબોડીઝને આઇડેન્ટિફાઇ ન કરતા તેની જાળવણી પણ અધ્ધરતાલ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું છે.

વૉટર બોડીઝ કોને કહેવાય ?
વૉટર બોડી એટલે પાણીનો સંગ્રહ કરતી રચના,પછી તે તળાવના સ્વરૂપમાં હોય છે,મોટી ખાડીના સ્વરૂપમાં હોય કે પછી જળાશયના સ્વરૂપમાં હોય. આ પાણીનો સંગ્રહ ત્યાં કાયમી ધોરણે થતો હોય છે એટલે વૉટર બોડીની જાળવણી કરવી આવશ્યક હોય છે. વૉટરબોડીમાં કાપ થઇ જાય તો તેની કઢાવવો,વૉટર બોડીની જમીન પર ખોટું દબાણ થઇ ગયું હોય તો તે દૂર કરાવવું અને વૉટર બોડીમાં કચરો જામી જાય કે ગંદુ પાણી ઠલવાય તો તેની જાળવણી કરવી પડે છે. જેથી તેમાં વધારે પાણીનો સંગ્રહ થાય તો આસપાસના વિસ્તારને ફાયદો થાય.

પાણીના સ્ત્રોતને આઇડેન્ટિફાઇ ન કરે એટલે તેની જાણવળી જ થાય નહીં
પાણીના સ્ટોરેજ સ્ત્રોતને આઇડેન્ટિફાઇ કરવામાં ન આવે એટલે તેની જાળવણી થાય નહીં. તેની ગણતરી પણ પાણીના આયોજનમાં થાય નહીં. રાજ્ય સરકારની આ ગંભીર બેદરકારી કહેવાય છે.આયોજનમાં આ‌વી બેદરકારીને કારણે જ રાજ્યની પ્રજાને પાણીની તંગી વેઠવી પડે છે,સુદઢ આયોજન કરવામાં આવે તો પ્રજાને રાહત થઇ શકે. > કાંતિભાઇ પટેલ,પૂર્વ ડેપ્યુટી ઇજનેર,સિંચાઇ

વૉટર બોડીનું મહત્ત્વ
વૉટર બોડીના આધારે પાણીનું આયોજન થાય છે, વ્યકિતદીઠ કેટલું પાણી જોઇએ,પશુદીઠ કેટલું,કૃષિ માટે કેટલું પાણી જોઇએ તેનો એક આંક મેળવાીને તેની સામે કેટલું પાણી રાજ્ય પાસે છે તેની ગણતરી થાય છે અને તે પ્રમાણે પાણીનું આયોજન થાય છે. આ આયોજનમાં વૉટર બોડી એટલે કે પાણીના સ્ટોરેજ સ્ત્રોત પાસે કેટલું પાણી છે તેની પણ ગણતરી થાય છે. રાજ્યમાં કુલ 125 લાખ હેક્ટર જમીન કૃષિ લાયક છે.ભૂતળ જળ એટલે જમીનની ઉપર તળાવ,જળાશયોમાં સંગ્રહાયેલા.રાજ્યમાં ભૂતળ આધારિત ખેતી 18 લાખ હેક્ટરમાં થાય છે.

ભૂર્ગભ જળ એટલે કે કુવા,બોરીંગથી ખેચાતા પાણીથી થતી કૃષિ 20 લાખ હેક્ટર, સરદાર સરોવર યોજના હેઠળ 18 લાખ હેક્ટર ખેતી થાય છે,જયારે સુજલામ-સુફલામ અને ચેકડેમ આધારિત ખેતી 9 લાખ હેક્ટરમાં થાય છે.વૉટર બોડી એટલે તળાવો,તેમાં સંગ્રહાયેલા પાણીથી ખેતી અને પીવાનું પાણી પણ મળે છે ઉપરાંત આસપાસના વિસ્તારના જમીનની અંદરના પાણીના સ્તરને ઊંચા લાવે છે,જેથી ભૂર્ગભ જળમાં પણ ફાયદો થાય છે અ્ને એટલા માટે જ વૉટરબોડીઝની સંરક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારે તેમના શિરે છે.

અન્ય સમાચારો પણ છે...