કર્મચારી સાથે રકઝક:કલેક્ટર કચેરીમાં માથાકૂટ બાદ ઓપરેટરને પાણીચું!

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેશનકાર્ડની કામગીરી કરતાં ઓપરેટરને મહિલા કર્મચારી સાથે રકઝક થઈ હતી

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે રેશનકાર્ડની કામગીરી કરતાં આઉટસોર્સના કર્મચારીને મહિલા કર્મચારી સાથે રકઝક અને માથાકૂટ થતા પાણીચું પકડાવાયું હતું. કલેક્ટર કચેરીના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આઉટસોર્સિંગમાં ઓપરેટર તરીકે કામ કરતો એક કર્મચારી રેશનકાર્ડ સહિતની કામગીરી કરી રહ્યો હતો. કામગીરી માટે 15થી વધુ જેટલા નાગરિકોની ભીડ હતી.

આ સમયે કલેક્ટર કચેરીના એક મહિલા કર્મચારી ત્યાં આવ્યા હતા. તેઓ દ્વારા ઓપરેટરને કોઈ ફોર્મ કાઢી આપવા માટે કહ્યું હતું. જેને પગલે ઓપરેટરે લાંબી લાઈન હોવાથી થોડીવારમાં કાઢી આપવાની વાત કરી હતી. જે મુદ્દે ઓપરેટર અને મહિલા કર્મચારી વચ્ચે શરૂ થયેલી રકઝક વધતાં માથાકૂટમાં પરીણમી હતી.

સમગ્ર મુદ્દો ઉપરીઓ સુધી પહોંચ્યો કે ન પહોંચ્યો પરંતુ આઉટસોર્સના કર્મચારીને પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. જેમાં ઉપર કર્મચારી સાથે યોગ્ય વર્તન ન હોવાના કારણ કે આઉટસોર્સના કર્મચારીને નોકરી પરથી કઢાયો હોવાનું કહેવાય છે. જોકે હાલ તો સમગ્ર મુદ્દો કલેક્ટર કચેરીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે સરકારી કામકાજ માટે આવતા અરજદારોની ભીડ વખતે કામના ભારણના કારણે અવારનવાર આવી કેટલીક ઘટનાઓ બનતી રહે છે તેમાં આજે આવી ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...