ગાંધીનગર નજીક અંદાજીત 200 કરોડના ખર્ચે કાર્યરત કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની મોટર ખોટવાઈ જતાં પાણી માટે દર્દીઓની સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ વલખાં મારી રહ્યો છે. ત્યારે અહીં દાખલ વીસ દર્દીમાંથી 10 દર્દીને ડિસ્ચાર્જ આપી અન્ય દર્દીઓને વીઆઈપી ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. જોકે, હોસ્પિટલના ડો. રાકેશ ભટ્ટે પાણીની તંગીનાં કારણે દર્દીઓને ડિસ્ચાર્જ ન કર્યાં હોવાનું જણાવ્યું હતું.
ગાંધીનગર નજીક કોલવડા ગામમાં રૂપિયા 200 કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે. અહીં અદ્યતન સાધનો પણ વસાવવામાં આવ્યા છે. અદ્યતન અને સુવિધાસભર આયુર્વેદિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બનાવવામાં આવી હોવા છતાં સુવિધાના નામે અનેક ફરિયાદો ઉઠી રહી છે.
આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શરૂ થયે બે વર્ષથી પણ વધુનો સમય થઇ ગયો છે. તેમ છતાં હજુ સુધી અહીંની સેવાઓથી દર્દીઓ વંચિત છે. 100 બેડની હોસ્પિટલ હોવા છતાં ફક્ત 58 ટકા જ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં પણ હોસ્પિટલમાં માત્ર 20 જેટલા દર્દીઓ જ દાખલ કરાયા હતા. એમાંય ત્રણ દિવસથી પાણી પુરવઠો જ બંધ થઈ જવાથી 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
થોડા વખત અગાઉ કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ દૂષિત પાણીની નદીઓ વહેતી થઈ હતી. હજી એ સમસ્યાથી છુટકારો મળ્યાનાં બહુ દિવસ થયા નથી ત્યારે હવે ત્રણ દિવસથી હોસ્પિટલમાં પાણી જ આવતું નથી. જેનાં કારણે ત્રણ દિવસથી દર્દીઓની સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યો છે. ત્યારે પાણીની સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવાની જગ્યાએ 10 દર્દીને ડિસ્ચાર્જ આપી અન્ય દર્દીઓને વીઆઈપી ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.
આ અંગે હોસ્પિટલના ડો. રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આજે જ પાણીની સમસ્યા ઉભી થઈ છે. હોસ્પિટલમાં પાણી પુરવઠો પૂરો પાડતાં સંપની મોટર બળી ગઈ છે. જેને બહાર કાઢી તેનું રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં હોસ્પિટલમાં 20 દર્દીઓ પૈકી 10ને ડિસ્ચાર્જ કર્યા છે. જેમને પાણીની તંગીનાં કારણે ડિસ્ચાર્જ કર્યા નથી. બીજા દર્દીઓને ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કર્યા છે. જેથી તેમને પાણીની સમસ્યા નડે નહીં. સાંજ સુધી મોટરનું સમારકામ કરીને દર્દીઓને પાછા વોર્ડમાં લાવી દેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.