ગામડામાં લોકશાહી પર્વ:સરપંચની 8513, વોર્ડ સભ્યની 48573 બેઠકો માટે આજે વોટિંગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8690 ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી
  • 1.81 કરોડ મતદારો 23112 મતદાન મથકો પરથી મતાધિકારનો ઉપયોગ કરશે

રાજ્યના મોટાભાગના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે લોકશાહી પર્વ ઉજવાશે. કુલ 8690 ગ્રામ પંચાયતોમાં સરપંચની 8,513 અને વોર્ડ સભ્યની 48,573 બેઠકો માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન મતદાન થશે. 1.81 કરોડ મતદારો કુલ દોઢ લાખ જેટલા ઉમેદવારો પૈકી પોતાના ગામના વિકાસ માટેના જનપ્રતિનિધિને ચૂંટવા મતાધિકારનો ઉપયોગ કરશે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ વિના સ્થાનિક કક્ષાએ લડાતી હોય છે. છતાં તમામ મુખ્ય રાજકીય પક્ષો માટે આ ચૂંટણી મહત્ત્વની બની રહે છે. રાજ્ય ચૂંટણી આયોગે 10,812 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી હતી. જે પૈકી 1165 ગ્રામ પંચાયતો સમરસ એટલે કે બિનહરીફ જાહેર થઇ હતી, સરપંચની 473 અને સભ્યોની 27479 બેઠકો અંશતઃ બિનહરીફ થઇ હતી, જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં વિવિધ કારણસર કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા તેની ચૂંટણી યોજાઇ શકે તેમ નથી. જેથી હવે 8,690 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. સરપંચોની 67 બેઠકો તથા સભ્યોની 3361 બેઠક પર એકપણ ફોર્મ ભરાયા નહીં હોવાથી ચૂંટણી થશે નહીં.

સરપંચના હોદ્દા માટે 27200 અને વોર્ડ સભ્ય બનવા માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં છે. 23,112 મતદાન મથકો પૈકી 6698 સંવેદનશીલ અને 3040 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરી, ત્યાં વધારાનો પોલીસફોર્સ મુક્યો છે. બેલેટ પેપરથી આ ચૂંટણી યોજાવાની હોઇ, 37451 મતપેટીઓ, 2541 ચૂંટણી અધિકારીઓ, 2822 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 1.37 લાખ જેટલા કર્મીઓ ચૂંટણીની ફરજ બજાવી રહ્યાં છે, જ્યારે સલામતી વ્યવસ્થા માટે 51,745 પોલીસ જવાનો તૈનાત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...