ચૂંટણી:ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદારોને હાલાકી, ક્યાંક રેમ્પ મોટો હોવાથી તકલીફ, તો ક્યાંક યાદીમાંથી નામ જ ગુમ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • વોર્ડ-5માં મતદાન મથક-7માં રેમ્પ મોટો હોવાથી મતદારોને તકલીફ
  • સેક્ટર 22નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જંગના મહા સંગ્રામમાં 11 વોર્ડની 44 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વહેલી સવારે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં અનેક જગ્યાએ બબાલ થવાની ઘટનાઓ બની છે. જ્યારે અનેક જગ્યાએ મતદારોને તકલીફો પડ્યાની ઘટનાઓ સામે આવી છે.

કોલવડામાં સરકારી પ્રાથમિક કન્યાશાળા તોડી પાડવામાં આવી હોવાથી મોટા પ્રમાણમાં મતદારોને એક કિલોમીટર દૂર રેલ્વે સ્ટેશન નજીક મતદાન કરવા માટે જવાની ફરજ પડી છે. જોકે, આ અંગે કલોક્ટરે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, જૂની કન્યાશાળાનું મકાન જર્જરિત થયેલ હોવાથી 1 વર્ષ પહેલા નવું બિલ્ડીંગ બનાવ્યું છે જે મૂળ સ્થાનથી 600 મિટર દૂર છે. જ્યારે વોર્ડ-5માં મતદાન મથક-7માં રેમ્પ મોટો હોવાથી મતદારોને તકલીફ પડી હતીં.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-5 હેઠળ આવતા સેક્ટર 22નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો થયો હતો. જ્યારે સેક્ટર 24માં એક વ્ય્કતિના નામે બારોબાર મતદાન થઇ ગયું હતું. જોકે, બાદમાં મતદાતાને નવેસરથી બેલેટ પેપરથી મતદાન કરવાની મંજૂરી અપાઈ હતી. સેક્ટર 4મા પૃથ્વેશ નરેન્દ્રભાઇ વૈધ્યનુ બોગસ વોટિંગ થયું હતુ, તો સેક્ટર 13માં પણ બોગસ વોટિંગ બાબતે માથકુટ થતાં પેપર વોટિંગ કરાયું હતુ. આ ઉપરાંત ઘણી જગ્યાએ બોગસ વોટિંગ થયાના અહેવાલ છે.

સેક્ટર 6 ખાતે આવેલા મતદાન મથક સરકારી સ્કૂલ ખાતે આજે સવારે, મતદાન શરૂ થયાના આશરે બે કલાક પછી મતદાન કરવા આવેલા વયોવૃદ્ધ મહિલાને લાવવા માટે વ્હીલ ચેર ઉપલબ્ધ નહોતી. જોકે, બાદમાં તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ આ વ્હીલ ચેરનો ઉપયોગ ફૂડ પેકેટ લઇ જવામાં થઇ રહ્યો હતો. આ ઉપરાંત મત કેન્દ્રો પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે પાણી કે ખાવાની કોઈ વ્યવસ્થા ન હોવાની બુમો ઉઠી હતી. ત્યારે બીજી તરફ સેકટર-24માં મતદાન કેન્દ્રની પાસે જ ભાજપનો જમણવાર ચાલુ હતો.

અન્ય સમાચારો પણ છે...