તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષિત ગામડું:ગાંધીનગરના લવારપુરે 3 T અને સ્વૈચ્છિક લોકડાઉનથી કોરોનાના 70 ટકા કેસ ઘટાડ્યા, ઓક્સિજનના 5 બોટલ સ્ટેન્ડબાય રાખ્યા

ગાંધીનગર2 મહિનો પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • કૉપી લિંક
  • સંક્રમણ અટકાવવા ગામમાં માસ્ક અને દવાનું નિઃશુલ્ક વિતરણ કરાયું
  • હોમ આઇસોલેટ થયેલા સંક્રમિત દર્દીનું સતત મોનિટરિંગ કરાયું

કોરોના સંક્રમણ પર પ્રતિબંધ લગાવવા માટે 3 T એટલે કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલાને મહત્ત્વની માનવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના લવારપુર ગામમાં આ ફોર્મ્યુલાની મદદથી જ વકરેલા કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ગામમાં સંક્રમણ વધતાં સ્વૈચ્છિક લોકડાઉન લાદી લોકોની સારવાર કરવામાં આવતાં 70 ટકા કેસમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. લવારપુર ગામે કોરોના સામે રક્ષણ મેળવી અન્ય ગામોને પણ નવી રાહ ચીંધી છે.

કોરોના સંક્રમણ વધુ વકરે નહીં એ માટે આગવું આયોજન.
કોરોના સંક્રમણ વધુ વકરે નહીં એ માટે આગવું આયોજન.

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની બીજી લહેરથી મોટા ભાગે બધાં ગામડાં પ્રભાવિત થઇ ચૂક્યાં છે. ઘાતકી કોરોનાથી મોટે ભાગે તમામ લોકો ભયના ઓથાર નીચે આવી ગયા છે. ત્યારે ગાંધીનગર પાસે આવેલા લવારપુરનાં ગ્રામજનોએ એકજૂટ થઈને કોરોના સામેની લડાઈ શરૂ કરવાના પરિણામ સ્વરૂપ આજે લવારપુર ગામમાં 70 ટકા કોરોનાના કેસો પર અંકુશ મેળવી લઇ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ત્યારે કોરોના સામેના જંગમાં ગ્રામજનોના સાથસહકારથી કોરોનાને કેવી રીતે હંફાવી દેવામાં આવ્યો એ વિશે ગામના સરપંચ હર્ષદ પટેલે દિવ્ય ભાસ્કર સાથે પોતાનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.

લવારપુર ગામમાં 3000 લોકોનો વસવાટ
ગાંધીનગર શહેરથી થોડેક દૂર આવેલ લવારપુર ગામમાં તમામ જ્ઞાતિના લોકો પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. ત્રણ હજારથી વધુની વસતિવાળા લવારપુર ગામમાં કોરોનાએ દસ્તક દેતાં જ સમગ્ર ગ્રામજનોએ એકજૂટ થઈને એની સામેની લડાઈમાં પોતાના સિંહફાળો આપ્યો હતો. પંચાયત દ્વારા કોરોના સામે લડાઈ લડવા કોઈપણ આકરા નિયમો બનાવ્યા તો, એને ગ્રામજનોએ સહર્ષ સ્વીકાર કરી લીધા હતા.

ગાંધીનગર જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરનારું લવારપુર પ્રથમ
કોરોનાએ ગામમાં દસ્તક દેતાં જ ગામના સરપંચ હર્ષદ પટેલ તેમજ પંચાયતના સદસ્યોએ તાકીદની બેઠક બોલાવીને મનોમંથન શરૂ કરી દીધું હતું. અનેક ગહન ચર્ચાઓના અંતે 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી 10 દિવસનું સૌપ્રથમ તો લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. બાદમાં 14થી 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે, જેમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગાર બંધ કરી ગ્રામજનોને કોરોના ગાઇડલાઈન મુજબ નિયમોનું પાલન કરવા સમજણ આપવામાં આવી હતી, જેને ગ્રામજનોએ પણ પૂરતો સાથસહકાર આપી ગામમાં કામ સિવાય બહાર નીકળવાનું સ્વૈચ્છિક રીતે જ બંધ કરી દીધું હતું. ઉપરાંત ગામમાં કોઈ સગાં-વહાલાં ન આવે એ માટે પોતપોતાનાં સ્વજનોને તાકીદ કરી દેવામાં આવી હતી.

ગામમાં 25થી વધુ કેસ આવતાં મેડિકલ ટીમ દ્વારા સર્વે શરૂ કરાયો
લવારપુર ગામમાં પાંચથી વધુ કેસો સામે આવતાં જ સ્વૈચ્છિક લોકડાઉન કર્યા બાદ કોરોના સંક્રમણ વધુ વકરે નહીં એ માટે આગવું આયોજન કરી સમગ્ર ગામમાં મેડિકલ ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ગ્રામજનોને કેવા પ્રકારની તકેદારી રાખવી એ સબબ તલસ્પર્શી માહિતી પૂરી પાડવામાં આવી હતી. મેડિકલ સર્વે દરમિયાન કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેમને હોમ આઇસોલેટ કરી સઘન સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી.

ગામને સેનિટાઇઝ કરવા 9 હજાર લિટર સેનિટાઇઝરનો ઉપયોગ કરાયો
કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે આગળ ન વધે એ માટે પંચાયત દ્વારા 200 લિટરનું એક બેરલ એવા 44 બેરલ એટલે કે 9 હજાર લિટર સેનિટાઇઝરનો છંટકાવ કરી સમગ્ર ગામને રોગમુક્ત કરવામાં આવ્યું હતું. લવારપુર ગામના દરેક શેરી, મહોલ્લા, પંચાયત તેમજ ચોકને કોરોના જંતુમુક્ત કરવા બે વખત સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

સાદા માસ્કની જગ્યાએ ગામમાં 3000 N-95 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
લવારપુર ગામમાં કોરોનાનું સંક્રમણ સદંતર અટકાવી દેવાના ભાગરૂપે સઘન મેડિકલ સર્વેલન્સ તેમજ સેનિટાઇઝરનો છંટકાવ ઉપરાંત કડક lockdown કરી દીધું હતું. ત્યારે ઘણાં ગ્રામજનો સાદાં માસ્ક પહેરીને કોરોનાથી રક્ષણ મેળવતા હોવાનું ધ્યાને આવ્યું હતું, જેને પગલે પંચાયત દ્વારા સાદાં માસ્કની જગ્યાએ 3 હજાર N95 માસ્કનું વિનામૂલ્યે ગ્રામજનોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

અગમચેતીના ભાગરૂપે ઓક્સિજનનાં 5 સિલિન્ડર સ્ટેન્ડ બાય રખાયાં
ગાંધીનગરમાં કોરોનાએ પીક પકડી લેતાં તમામ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરચક થઇ જવા પામી છે, જેને કારણે મોટા ભાગની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાવાની વ્યાપક બુમરાણ આવી રહી હતી. એને પગલે લવારપુર ગામમાં કોરોના સંક્રમિત દર્દીઓને કટોકટીના સમયે ઓક્સિજન માટે વલખાં મારવાં ન પડે એ માટે અગમચેતીના ભાગરૂપે ઓક્સિજનના પાંચ બાટલા પણ સ્ટેન્ડબાય રાખી દેવામાં આવ્યા હતા, જેની નહિવત દર્દીને જ જરૂરિયાત ઊભી થઇ છે.

હોમ આઈસોલેટ થયેલા સંક્રમિત દર્દીઓનું સતત મોનિટરિંગ કરાયું
કોરોના સંક્રમિત દર્દી મળી આવે એટલે તરત તેને સૌપ્રથમ હોમ આઇસોલેટ કરી મેડિકલની ટીમ દ્વારા સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. ઉપરાંત દર્દીનાં પરિવારજનોનું પણ સતત મોનિટરિંગ કરી તકેદારી રાખવામાં આવી રહી હતી. એ સિવાય દર્દીઓને પૌષ્ટિક આહાર લેવાની પણ સલાહ આપવામાં આવતી હતી.

ગામમાં જરુરી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
લવારપુર ગામમાં કોરોનાનો કેસ સામે આવે તો તેવા દર્દી તેમજ તેના પરિવાર સહિત ગ્રામજનોને વિટામિન બી કોમ્પ્લેક્સ, એજીથ્રોમાઇસીન, પેરાસિટામોલ, લિવોસેટ્રાજિન તેમજ ઝિંકની 800 વધુ ટેબ્લેટનું પંચાયત દ્વારા વિતરણ કરવામાં પણ આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે આયુર્વેદિક ઉકાળા પણ તેમને વહેંચવામાં આવ્યા હતા.

3 હજારની વસતિમાંથી માત્ર 3 દર્દીએ જ ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડી લવારપુરના સરપંચે કહ્યું હતું કે કોરોનાના 17 દર્દીમાંથી માત્ર 12 દર્દી જ હાલમાં હોમ આઇસોલેશનમાં રહી ઘરે સારવાર મેળવી રહ્યા છે. અત્યારસુધી 30 જેટલા દર્દીઓ કોરોનાના સામે આવી ચૂક્યા છે, જેમાંથી માત્ર ત્રણ દર્દીને જ ગામની બહાર ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી છે અને તેઓ પણ અત્યારે સ્વસ્થ છે. સમગ્ર ગામમાં કોરોનાની મહામારી વચ્ચે સર્વ ધર્મ સમભાવની એકતાનાં દર્શન થયાં છે. લવારપુર ગામમાં મોટા ભાગે કોરોના સંક્રમિત દર્દીઓ ઘરે જ સારવાર મેળવીને સ્વસ્થ થઇ રહ્યા છે એ આનંદની વાત છે.

ડર કે આગે જીત હૈ- સરપંચ
લવારપુર ગામના સરપંચ હર્ષદ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની લડાઈ સામે સૌ ગ્રામજનોએ સાથસહકાર આપતાં અત્યારે ગામમાં કોરોનાના કેસો જવલ્લે જ જોવા મળી રહ્યા છે. કોરોનાની બીજી લહેરને કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે, પરંતુ હા, લાંબી લડાઈમાં સૌકોઈએ કોરોના સામે ડર્યા વિના લડાઈ કરવાની ખૂબ જરૂરી છે. અમારા ગામમાં ગ્રામજનોએ એકજૂથ થઈને કોરોનાની લડાઈ લડતાં અત્યારે એના કેસોમાં 70 ટકા જેટલો ઘટાડો થઇ ચૂક્યો છે, એટલે જ કહું છું ડર કે આગે જીત હૈ.

અન્ય સમાચારો પણ છે...