તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસુવિધા:ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વિટામિન બી 12 અને થાઈરોઈડ ટેસ્ટના મશીનો શોભાના ગાંઠીયા બન્યા, હજારો દર્દીઓ ખાનગી લેબમાં જવા મજબૂર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેસ્ટ માટે રિએજન્ટ લેવાની મંજૂરી ના મળતા મશીનો ધૂળ ખાઈ રહ્યા છે

રાજયના પાટનગરની સૌથી મોટી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ વિટામિન બી-12 અને થાઈરોઈડ ટેસ્ટ કરવામાં નહીં આવતાં હજારો દર્દીઓ ટેસ્ટ માટે ખાનગી લેબમાં જવા મજબૂર બન્યા છે. ત્યારે ટેસ્ટ કરવા માટે રિએજન્ટ લેવાની મંજૂરી હજી સુધી નહીં મળતા સિવિલમાં વસાવવામાં આવેલા મશીનો શોભાના ગાંઠીયા સમાન પડી રહી ધૂળ ખાઈ રહ્યા છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ઘણા દર્દીઓને અન્ય રિપોર્ટ ની સાથે વિટામીન બી12 અને થાઈરોઈડનો રિપોર્ટ કરાવવાની સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં જ વિટામીન બી12 અને થાઈરોઈડ ના રિપોર્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને ના છુટકે ખાનગી લેબોરેટરીમાં જવાની ફરજ પડી રહી છે.

એમાંય ડોકટર દ્વારા કેસ પેપરમાં ઉક્ત રિપોર્ટ કરવાનું લખી પણ આપવામાં આવે છે. જેનાં કારણે દર્દીઓ રિપોર્ટ કરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે ત્યારે તેઓને માલુમ પડતું હોય છે કે સિવિલમાં વિટામીન બી12 અને થાઈરોઈડ ના ટેસ્ટ માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ જ નથી. હાલની ભાગદોડની જિંદગીમાં મોટાભાગે દરેકને વિટામિન બી 12 ની ઉણપ જોવા મળતી હોય છે. જેનાં માટે વિટામીન બી 12 ની ઉણપ નું પ્રમાણ જાણવા માટે ટેસ્ટ કરવો જરૂરી રહેતો હોય છે. સિવિલમાં આ રિપોર્ટ કરાવવા માટે દરરોજ 40 થી વધુ દર્દીઓ આવતા હોય છે.

પરંતુ સિવિલમાં બી 12 અને થાઈરોઈડના ટેસ્ટ માટેના લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલા મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. આ અંગે સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ માટે રિપોર્ટમાં ચોક્કસ તારણ માટે જરૂરી એવા રિએજન્ટ લેવા માટેની મંજૂરી આરોગ્ય વિભાગ પાસે માંગવામાં આવી છે. પરંતુ હજી સુધી ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મળી નથી.

સિવિલમાં દરરોજ વિટામિન બી 12 અને થાઈરોઈડનાં રિપોર્ટ માટે દર્દીઓ આવતા હોય છે પણ હાલમાં ઉપરથી મંજૂરી મળે નહીં ત્યાં સુધી મશીન નો ઉપયોગ થઈ શકે તેમ નથી. બે મહિના થી મંજૂરી માંગવામાં આવી છે પણ હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. નોંધનીય છે કે એ સિવિલ હોસ્પિટલમાં ઉપરોક્ત બન્ને રિપૉર્ટ નહીં થતાં હોવાથી હાલમાં વસાવવામાં આવેલા લાખો રૂપિયાના મશીનો બિન ઉપયોગી ધૂળ ખાઈ રહ્યા છે. અને મહિને ચાર હજાર જેટલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવાની નોબત આવી છે. જેથી ખાનગી લેબોરેટરી વાળાને પણ તગડી કમાણી થવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...