ગાંધીનગરમાં યુવકના આપઘાતનો મામલો:‘મારે દસ મિનિટ માટે છેલ્લી વખત મળવું છે’, પ્રેમિકા રીન્કુને વિપુલે વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્રોએ વિપુલનો ફોન ચેક કરતા પ્રેમિકાને મેસેજ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું
  • મિત્રો વિપુલને શોધવા રિન્કુના ઘરે ગયા તો રિન્કુએ ગુંડાઓની જેમ શા માટે આવો છો તેમ કહી હાંકી કાઢ્યા
  • ગાંધીનગરનાં યુવાનના આપઘાત પ્રકરણ પછી સ્વરૂપવાન પ્રેમિકા ભૂગર્ભમાં
  • વિપુલે ગીરવે મૂકેલા દાગીના છોડાવી ઘરે આપી પ્રેમિકા ગાયબ થઇ ગઇ

ગાંધીનગર ન્યુ વાવોલના યુવાનના આપઘાત પ્રકરણ પછી પ્રેમિકા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. આ બનાવની જાણ થયાના ગણતરીના કલાકોમાં જ પ્રેમિકા મૃતકની માતાના ગીરવે મૂકેલા દાગીના છોડાવીને સરગાસણનાં મિત્રને આપીને રવાના થઈ જતાં પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ છે. જો કે પોલીસ તેને શોધવા સેકટર 4 ના મકાન ઉપર પહોંચી હતી. પરંતુ તે પોતાની દીકરી સાથે રહસ્ય સંજોગોમાં ગાયબ થઈ ગઈ છે.

પ્રેમિકા રીન્કુ ઉર્ફે રીના રમેશભાઈ માલાણી વિરુદ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ થઇ
ગાંધીનગરનાં ન્યુ વાવોલ 303 સંકલ રેસીડેન્સીમાં રહેતા અને વાવ મુકામે બ્લુ બેલ એક્ઝોટિકા કોમ્પલેક્ષમાં શાકભાજીનો ધંધો કરતા 28 વર્ષીય વિપુલ ભોગીલાલ પટેલે છ દિવસ અગાઉ ખોરજ નર્મદા કેનાલમાં આપઘાત કરીને જીવનનો અંત આણી લીધો હતો. મૃતકનાં ભાઈ નવનીતે સેકટર 7 પોલીસ મથકમાં સેકટર 4 /સી પ્લોટ નંબર 667/1 માં ભાડાના રહેતી મૃતકની પ્રેમિકા રીન્કુ ઉર્ફે રીના રમેશભાઈ માલાણી વિરુદ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ દાખલ કરાવી હતી.

રીન્કુના ડાઇવોર્સ થઈ ચૂક્યા છે અને તેને એક દીકરી પણ છે
ત્યારે રીન્કુનાં પિતા રમેશ ઉર્ફે રામભાઈ માલાણી મૂળ ભાવનગરના વતની છે. જેઓ હાલમાં દીકરી સાથે વિદેશમાં રહે છે. રમેશ માલાણી અને રણછોડપુરા ગામના દિપક અંબાલાલ પટેલ બન્ને મિત્રો છે. જ્યારે મૃતક વિપુલ પણ દિપકનો મિત્ર હતો. જેનાં પગલે દિપક પટેલ મારફત વિપુલની ઓળખાણ રીન્કુ ઉર્ફે રીના સાથે એક વર્ષ અગાઉ થઈ હતી. રીન્કુના ડાઇવોર્સ થઈ ચૂક્યા છે અને તેને એક દીકરી પણ છે. જે સેકટર 4 માં ભાડાનાં મકાનમાં રહેતી હતી.

પ્રેમ સંબંધના થોડા વખતમાં બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ થતાં તેઓનું બ્રેકઅપ થઈ ગયું
થોડા સમયના પરિચય પછી બન્નેની આંખો મળી ગઈ હતી. ત્યારે વિપુલ શરૂઆતથી જ સ્વરૂપવાન રીન્કુ માટે પઝેસિવ હતો. તેણે રીન્કુ સાથેના સંબધ વિશે ઘરે વાત કરીને લગ્નની ઈચ્છા વ્યક્ત કરતા પરિવારજનો એ મૂક સંમતિ આપી દીધી હતી. ત્યારે રીન્કુએ વિપુલ પાસેથી એન કેન પ્રકારે રૂપિયા લેવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે આ પ્રેમ સંબંધના થોડા વખતમાં જ બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ થતાં તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું.

અત્યાર સુધી રૂ.18 લાખ જેટલી રકમ પડાવી લીધી
પરંતુ વિપુલ રીન્કુના ગળાડૂબ પ્રેમમાં પડી ગયો હતો. બ્રેક અપ બાદ પરિવારજનોએ તેને અન્ય લગ્ન કરવા માટે સમજાવ્યો પણ હતો. પણ તેને રીન્કુ સાથે જ લગ્ન કરવા હતા. બાદમાં દિપક પટેલની દરમિયાનગીરીથી બન્ને વચ્ચે સમાધાન થઇ ગયું હતું. ત્યારે પણ રીન્કુ તેની પાસેથી પૈસા પડાવતી હતી. જેનાં કારણે વિપુલ તેના ભાગીદારો સહિતના મિત્ર વર્તુળો પાસેથી પૈસા લઈને રીન્કુ આપી દેતો હતો. વિઝાનાં વ્યવસાય સાથે સંકળાયેલી રીન્કુએ વિપુલને વિદેશથી એક કરોડનું પાર્સલ આવવાનું હોવાનું જણાવ્યું હતું. જેમાં લિક્વિડ કેશ તેમજ ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ ભરેલી છે. જેને દિલ્હી ખાતેથી છોડાવવા માટે કસ્ટમ ડયુટી ભરવાની હોવાનું કહી વિપુલ પાસેથી અત્યાર સુધી રૂ.18 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ પણ મૃતકના ભાઈ તેમજ મિત્ર વર્તુળો દ્વારા કરવામાં આવ્યો છે.

સંબંધો કાપી નાખવાનું કહી બ્લેક મેઇલ કર્યા કરતી
છેલ્લે વિપુલ દ્વારા પરિવારની જાણ બહાર તેની માતાના ઘરેણાં પણ સરગાસણ વાળા કનુભાઇ પાસે આશરે પંદર દિવસ માટે ગીરવે મૂકીને પણ પૈસા રીન્કુને આપ્યા હતા. જો કે રીન્કુ દ્વારા પૈસાની સતત માંગણી કરવામાં આવતા અને માથે દેવું પણ ધીમે ધીમે વધી જતાં વિપુલ નાસીપાસ થઇ ગયો હતો. ત્યારે રીન્કુ પણ તેને પૈસા નહીં આપે તો સંબંધો કાપી નાખવાનું કહી બ્લેક મેઇલ કર્યા કરતી હતી.

વિપુલે કેનાલમાં આપઘાત કરવા જતા પહેલા સ્યુસાઇડ નોટ લખી
બીજી તરફ વિપુલ પણ સ્વરૂપવાન રીન્કુની મીઠી મીઠી વાતોમાં ભોળવાઈ ગયો હતો. વિપુલ પૈસાના આપે તો રીન્કુ કહેતી કે અત્યારે જ તને મારા પર વિશ્વાસ નથી તો ભવિષ્યમાં લગ્ન પછી તું મારી પર એક પૈસાનો પણ વિશ્વાસ કરીશ નહીં. આવી લાગણી સભર વાતો કહીને રીન્કુ તેની પાસેથી પૈસા પડાવતી હતી. આખરે કંટાળી ગયેલા વિપુલે કેનાલમાં આપઘાત કરવા જતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જે તેની માસીને પલંગ પરથી મળી આવતા તેમણે નાના ભાઈ નવનીતને જાણ કરતા સૌ મિત્રો વિપુલને શોધવા નીકળી પડ્યા હતા.

રીન્કુને વોટ્એપ કરીને વિપુલએ મેસેજ કર્યો
તે દરમિયાન તેઓએ વિપુલનો ફોન પણ ચેક કર્યો હતો. જેમાં રીન્કુને વોટ્એપ કરીને વિપુલએ મેસેજ કર્યો હતો કે " મારે દસ મિનિટ માટે છેલ્લી વખત મળવું છે". આથી વિપુલ સેકટર 4 માં ગયો હશે એવી શંકા રાખી બે મિત્રો ત્યાં પહોંચ્યા હતા. પણ રિન્કુએ ગુંડા જેવા આવી જાવ છો વિપુલ અહીંયા આવ્યો નથી. તેઓ ઉદ્ધત ભાષામાં જવાબ આપી દીધો હતો.

રીન્કુ તેની સાથે આવેલા અજાણ્યા યુવક સાથે કારમાં બેસી જતી રહી
ત્યારબાદ બપોરના વિપુલની લાશ ખોરજ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. આ બનાવની જાણ કોઈ રીતે રીન્કુને થઈ જતાં તે સરગાસણવાળા કનુભાઈ પાસેથી ગીરવે મૂકેલા દાગીના લઈને વિપુલના મિત્ર નિતીન સોનીનાં ઘરે જઈને આપી આવી હતી. બીજી તરફ પોલીસ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ વિપુલના મૃતદેહને તેના વતન માણસા સોજા લઈ જવાય તે પેહલા જ રીન્કુ દિલસોજી પાઠવવા ત્યાં પહોંચી ગઈ હતી. પરંતુ પરિવારને ચિઠ્ઠી મળી આવી હોવાથી તેની સાથે બધાએ વાત કરવાનું ટાળ્યું હતું. બાદમાં રીન્કુ તેની સાથે આવેલા અજાણ્યા યુવક સાથે કારમાં બેસીને ગાંધીનગર આવવાનાં બદલે બીજે તરફ જતી રહી હતી.

રીન્કુ પોલીસ સમક્ષ નહીં આવે ત્યાં સુધી આપઘાતનું રહસ્ય અંકબધ
​​​​​​​
ત્યારે સેકટર 7 પોલીસ દ્વારા પણ છેલ્લા 6 દિવસથી રીન્કુ શોધખોળ કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પણ કોઈ ફળદાયી હકીકત મળી આવી નથી. પોલીસે રીન્કુનાં ઘરે જઈને તપાસ કરી હતી પણ ઘર બંધ હતું. આથી પોલીસે બારીમાંથી અંદર નજર કરતા જમવાનું પડી રહ્યું હોવાનું માલુમ પડયું હતું. હાલમાં પોલીસ દ્વારા મરનાર વિપુલના પાર્ટનરનાં નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ જ્યાં સુધી રીન્કુ પોલીસ સમક્ષ નહીં આવે ત્યાં સુધી આપઘાતનું રહસ્ય ઘુંટાતું રહેવાનું છે.

અન્ય સમાચારો પણ છે...