ગ્રામ પંચાયત ચૂંટણી જંગ:ગાંધીનગરના લેકાવાડા ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી ગ્રામજનો પરેશાન, ગ્રામજનોએ ભષ્ટ્રાચારના આક્ષેપ લગાવ્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • બિસ્માર રોડ રસ્તા, વરસાદી પાણીના નિકાલ, ઠેર ઠેર કચરાના ઢગલા, સ્ટ્રીટ લાઈટોની અછત
  • 17 લાખની નવીન લાઇબ્રેરીમાં સુવિધાનો અભાવ સહિતની સેંકડો સમસ્યાથી ગ્રામજનો તોબા પોકારી ઉઠયા

રાજ્યમાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સાડા ત્રણ હજારની વસ્તી અને 2200 મતદાતા વાળા લેકાવાડા વાડા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આ ગામમાં રોડ રસ્તા, વરસાદી પાણીના નિકાલ, ઠેર ઠેર કચરાના ઢગલા, સ્ટ્રીટ લાઈટોની અછત સહિતની પારાવાર સમસ્યા જોવા મળી રહી છે. જેને લઈ આ તમામ સમસ્યાથી ગ્રામજનો છુટકારો મેળવવા માગે છે.

ગામમાં સાડા ત્રણ હજારની વસતી

ગ્રામ પંચાયતની ચૂંટણીને બે દિવસ જ બાકી રહ્યા છે. એવામાં ગામનાં સરપંચ બનવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ આજે પણ ગાંધીનગરના ગામડાંઓનાં વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો સદુપયોગ નહીં કરાતાં ગામડાઓ શહેર જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. આવું જ એક ગામ છે લેકાવાડા. અહીં સાડા ત્રણ હજારની વસ્તી વસવાટ કરે છે.

ગામના રોડ ખૂબ ખરાબ હાલતમાં

આ ગામમાં હજી પણ જોઈએ તેવી પ્રાથમિક સુવિધાઓ ગ્રામજનોને મળી શકી નથી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે, અમારા ગામમાં 2200 જેટલા મતદારો છે. ગામના રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે. ચોમાસામાં વરસાદી પાણીથી રોડ ધોવાઈ ગયા છે. ખાસ કરીને ગામમાં કચરાની સમસ્યા વિકટ બની ગઈ છે. વર્ષ 2019-20 કચરા ટોપલીઓ આવી હતી પણ હજી સુધી સરપંચ દ્વારા ફાળવવામાં આવી ન હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.

લાઇબ્રેરીમાં પણ અપૂરતી સુવિધા

લેકાવાડા ગામમાં માટીનું ધોવાણ થઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ પેવર બ્લોક નાખવામાં આવ્યા નથી. આશરે 17 લાખના ખર્ચે લાઇબ્રેરીનું નિર્માણ તો કરી દેવાયું છે. પરંતુ બાળકોને વાંચવા માટેની અપૂરતી સુવિધા છે. લેકાવાડા ગામની અંદર ગરીબ લોકોને રહેવાની પૂરતી વ્યવસ્થા નથી. જેમના ઘર પતરાવાળા છે તે સરપંચે આજ દિન સુધી બનાવ્યાં નથી અને સરકારી જગ્યામાં બે મકાનો સરપંચે ઉભા કરી દીધા હોવાનું પણ સામે આવ્યું છે.

વધુમાં ગ્રામજનોએ ઉમેર્યું હતું કે ગામની અંદર પંચાયતમાં નાના-મોટા કામ માટે ખૂબ ધક્કા ખાવા પડે છે. તેમજ એક સામાન્ય માણસને જો સાત બારના ઉતારા કાઢવા હોય તો બાજુના ગામમાં કે ગાંધીનગર સુધી લાંબા થવું પડે છે. લેકાવાડા ગામની અંદર ઘણી જગ્યાએ લાઈટની પણ અછત છે. જેનાં કારણે લોકોને રાત્રે ખૂબ તકલીફ પડી રહી છે.

શૌચાલય જાળવણીના અભાવે ગંદકીથી ખદબદી રહ્યુ

પંચાયત ઓફિસના કોઈ ઠેકાણા નથી. દિવસમાં બે કલાક માટે જ ખોલવામાં આવે છે. એમાંય સરપંચ હોય તો તલાટી હોતા નથી અને તલાટી હોંય તો સરપંચ ગેરહાજર હોતા હોય છે. લાઇબ્રેરીની છતમાંથી પાણી ટપકયાં કરે છે. ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનાવેલા શૌચાલય પણ જાળવણીના અભાવે ગંદકીથી ખદબદી રહ્યા છે.

આ ઉપરાંત ગામના મુખ્ય ગેટ પર નામની પાછળ "સરકાર" શબ્દનો ઉલ્લેખ કરાયો છે. જે ખરેખર બંધારણના અનુચ્છેદ - 17નું ઉલ્લંઘન કરીને સત્તાનો દુરુપયોગ કરાયો છે. સ્મશાન ખાતે મૂકવા માટે બાંકડાની ખરીદી કરાઈ છે પણ આજદિન સુધી તેની પણ સુવિધા ઉભી કરાઈ નથી. તેમજ સીસીટીવી લગાવવામાં પણ મોટો ભ્રષ્ટાચાર કરાયો હોવાની શંકા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.

ગામને સેનેટાઈઝ કરાયુ તેમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

કોરોના કાળ સમયે આખા ગામને સેનેટાઈઝ કરવાનું થતું હોવા છતાં તેની પણ વ્યવસ્થા કરાઈ ન હતી. સી.આર.પી.એફ દ્વારા ગામને સેનેટાઈઝ કરાયું હતું. જેમાં પણ ગેરરીતિ કરાઈ હતી. ગામતળની જમીન તેમજ સંરક્ષક દિવાલ પણ અમુક ચોક્ક્સ એરિયામાં જ કરાઈ છે.

આ અંગે મહિલા સરપંચના પતિ અમરસિંહ વાઘેલાએ તેમના કાર્યકાળ દરમિયાન કરેલા વિકાસ કામો અંગે જણાવ્યું હતું કે, ગામમાં લાઇબ્રેરી, લેકાવાડા પાટીયાથી ગામ સુધી સ્ટ્રીટ લાઈટો, વણઝારા વાસમાં આંગણવાડી - સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઈપ લાઈન, નવું સ્મશાન, શાળાનું નવીનીકરણ, દંતાણી વાસમાં સંરક્ષણ દિવાલ, પ્રધાન મંત્રી આવાસ યોજનામાં 100 મકાનો, 180 શૌચાલય, 120 વિધવા મહિલાઓને સહાય અપાવી છે. ઉપરાંત સ્વ ખર્ચે ગામના પ્રવેશ દ્વારનું નિર્માણ કરાવ્યું છે. પંદરેક વર્ષથી સરપંચનું કામ કરી રહ્યો છું. અમુક લોકો ચૂંટણી આવી એટલે ખોટો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...