રામપુરા ગામના ખેડૂતો અને પશુપાલકોને રેલવે તંત્રના વાંકે ચારેક કિલોમીટર વધારે અંતર કાપવાની ફરજ પડી છે. જેમાં રામપુરાનો રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા ખેતીકામ તેમજ પશુપાલન વ્યવસાય કરતા ગ્રામજનોને હાલાકી પડે નહી તે માટે રામપુરાના રેલવે ફાટકને ખોલી નાંખવામાં આવે તેવી માગણી સાથે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે મુુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
ગામડાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને ખેતીકામ અને પશુપાલન વ્યવસાય માટે ચારેક કિલોમીટરનું વધારે અંતર કાપવાની ફરજ પડી છે. આ અંગે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળજી ઠાકોરે જણાવ્યું છે કે જિલ્લાના ગાંધીનગર તાલુકાના ભોંયણ રાઠોડ ગ્રામ પંચાયતમાં સમાવેશ પેટાપરા રામપુરા તરીકે સામેલ છે. રામપુરા ગામના લોકો ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
ઉપરાંત ગામના બાળકો ટીંટોડાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા જાય છે. જોકે રામપુરા ગામના જુના ડામર રસ્તાના રેલવે ફાટકને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના જ બંધ કરી દેવામાં આવ્યો છે. આથી ગ્રામજનોને તેમજ વિદ્યાર્થીઓને ટીંટોડા જવા માટે ચારેક કિલોમીટર વધારે ચાલવાની ફરજ પડી રહી છે.
જોકે રામપુરા ગામના ખેડૂતોની જમીન ટીંટોડા તરફ જવાના રોડ ઉપર આવેલી હોવાથી ખેતીકામ કરવા માટે ચારેક કિલોમીટર વધારે અંતર કાપવાની ફરજ પડી છે. આથી જિલ્લાના માર્ગ મકાન વિભાગ દ્વારા રિસરવે કરીને રામપરા ગામના લોકોને અવર જવરમાં તકલીફ પડે નહી તે રીતે રેલવે ફાટક ખોલવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
ઉપરાંત ગ્રામજનોની હાલાકીને ધ્યાનમાં રાખીને રેલવે ફાટકે અન્ડર બ્રિજ બનાવવામાં આવે તેવી માગણી સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત સાથે માગણી ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે કરી છે. રેલવે ફાટકનો પ્રશ્ન ગામલોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. વિદ્યાર્થીઓને પણ 4 કિલોમીટર દૂર સુધી સ્કૂલે ચાલીને જવાની ફરજ પડી રહી છે. જેથી ગામલોકોનો પ્રશ્ન ઉકેલાય તેવી માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.