વિજય રૂપાણી - વિજય રૂપાણી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ પદે રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મારફત પણ તેમની સેવા અને આવડતનો લાભ લેવાતો રહેશે એવી જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રીપદ જવાનો રંજ તેમને ચોક્કસ હશે, પરંતુ નારાજગી નથી. તેથી તેમણે મળવા આવેલા તમામ મંત્રીઓને કહ્યું કે તેઓ આ કિસ્સામાં કોઈ દરમિયાનગીરી કરશે નહીં. હવે પાર્ટી તેમને જે કામ અથવા પદ સોંપે એ તેઓ સહર્ષ સ્વીકારી લેશે.
નીતિન પટેલ - સતત ત્રીજીવાર મુખ્યમંત્રીપદના સૌથી સક્ષમ દાવેદાર તરીકે તેમનું નામ આવ્યું અને ત્રણેય વખત તેમને મન મનાવવું પડ્યું છે. હવે તેમની રાજકીય કારકિર્દી સામે સૌથી મોટું જોખમ છે. આમ તો તેમને ભાજપનું મોવડીમંડળ કોઇ જવાબદારી સોંપે એવી ચર્ચા હતી, પરંતુ તેમને હવે એ શક્યતા જણાતી નથી.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા - ચૂડાસમા ખૂબ સિનિયર મંત્રી છે. તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવાય એવી વાત છે અને જો આ પદ મળે તો તેનો તેઓ પ્રતિકાર કરશે નહીં. ગઇ વિધાનસભા ચૂંટણીની તેમની જીત કોર્ટમાં પડકારાઇ છે અને હવે જો તેમને સ્પીકરનું પદ પણ ન મળે તો સલાહકારનું અથવા સંગઠનમાં હોદ્દા વિના કામ મળે તો એ સ્વીકારવું પડશે.
પ્રદીપસિંહ જાડેજા - પ્રદીપસિંહ જાડેજા હજુ યુવાન અને ખૂબ રાજકીય સમજ ધરાવતા નેતા છે. હાલ તેમનું મંત્રીપદ જળવાય નહીં તોપણ તેઓ પક્ષને ચૂંટણી જિતાડવાના કામમાં હોંશથી કામ કરશે. તેમના કામનો બદલો ભાજપનું મોવડીમંડળ આવતી ચૂંટણી પછી રચાનારી સરકારમાં સારી રીતે આપી શકે છે, તેથી ત્યાંના આદેશને માનવાનો રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.