અમદાવાદ મ્યુનિ.માં વિપક્ષી નેતાની નિમણૂક મુદ્દે સર્જાયેલા વિવાદમાં કોંગ્રેસના 2 નિરિક્ષકે 3 મહિલા કોર્પોરેટર સહિત 4ને શિસ્તભંગ બદલ શો-કોઝ નોટિસ ફટકારી છે.
બીજી તરફ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ‘લડકી હું લડ સકતી હુ’ ના નામે એક વિડીયો પ્રિયંકા ગાંધીને મોકલીને શહેજાદ ખાન પઠાણ સામે અભદ્ર વ્યવહારનો આક્ષેપ કર્યો છે, આ સાથે પ્રિયંકા ગાંધી સમક્ષ ન્યાયની માગ કરી છે. નિરિક્ષકોએ 10 કોર્પોરેટર વિરુદ્ધ ગેરશિસ્તના પૂરાવા પણ રજૂ કર્યા હતા. જે 4 કોર્પોરેટરને નોટિસ અપાઈ છે તેમની પાસે 7 દિવસમાં લેખિત ખુલાસો માગવામાં આવ્યો છે.
વિપક્ષી નેતાના નામે પ્રદેશ પ્રમુખ સામે મોરચો
સુત્રોના કહ્યા પ્રમાણે વિરોધ પક્ષના નેતાની વરણીને આગળ કરીને પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરની નેતાગીરી સામે પણ પડકાર ઉભો કરવાનો રસ કેટલાક સિનિયર નેતાઓ દાખવી રહ્યા છે.તેઓ આ કોર્પોરેટરોને હાથો બનાવી ઠાકોર મૂંઝાય તેવી સ્થિતિ સર્જી રહ્યા છે.
આ 4 કોર્પોરેટરને શો-કોઝ નોટિસ અપાઈ
4 કોર્પોરેટરમાં રાજશ્રી કેસરી, જમના વેગડ, કમળા ચાવડા, હાજી મિર્ઝાને નોટિસ ફટકારવામાં આવી છે. આ કોર્પોરેટરોએ પ્રદેશ કાર્યાલય બહાર વિરોધ વ્યકત કરતા જાહેરમાં નિવેદન આપતા તેમની સામે કાર્યવાહી કરાઇ છે તેમ કોંગ્રેસના સત્તાવાર સૂત્રોનું કહેવું છે.
તમામ 10 કોર્પોરેટરના રાજીનામા સ્વીકારાશે
કોંગ્રેસે તમામ 10ના રાજીનામાં લેવાની તૈયારી કરી લીધી છે, ટોચના નેતાઓએ રાજીનામાં લઇને તમામ બેઠક પર કોંગ્રેસના જ કોર્પોરેટર ચૂટાશે તેવી બાંહેધરી આપી દીધી છે. પક્ષ રાજીનામાં સ્વીકારીને કોર્પોરેટરોને જ મુશ્કેલીમાં મુકવાની પધ્ધતિ અપનાવે તો નવાઇ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.