ફિલ્મીઢબે લૂંટ:ગાંધીનગરમાં વાયબ્રન્ટ ટાણે રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગ સક્રિય, બે ભાઈઓનું અપહરણ કરી 10 હજારની લૂંટ

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-28 બગીચા પાસે બે ભાઈઓને બાનમાં લઈ લૂંટી લીધા
  • એક ભાઈ રિક્ષામાંથી કૂદીને ભાગ્યો અને બીજા ભાઈને ચાલુ રિક્ષામાંથી લૂંટારૃઓએ ફેંકી દીધો
  • રાહદારી વાહનચાલકની સમય સૂચકતાથી બે લૂંટારુ ઝડપાયા

અમદાવાદથી વતન જવા માટે નીકળેલા બે ભાઈઓને રિક્ષામાં બેસાડી અપહરણ કરી ગાંધીનગરના સેકટર-28 બગીચા પાસે લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, લૂંટારુનાં ચુંગલમાંથી એક ભાઈ છટકી જતા લૂંટારૃઓએ બીજા ભાઈને ચાલુ રિક્ષામાંથી ફેંકી દીધો હતો. એ વખતે રાહદારી વાહન ચાલકે હિંમત કરીને રિક્ષાનો પીછો કરી ત્રણ લૂંટારુ પૈકી બે લૂંટારુને ઝડપી લઈ સેકટર-21 પોલીસને હવાલે કર્યા હતા.

ગાંધીનગરમાં વાયબ્રન્ટ મહોત્સવની તડામાર તૈયારી વચ્ચે રિક્ષામાં મુસાફરોને બેસાડીને લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ હોય તેમ ગઈકાલે ઉદેપુર વતનમાં જવા નીકળેલા બે સગા ભાઇઓનું અપહરણ કરી સેકટર-28 બગીચા પાસે લૂંટી લેવાયાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના મકરબા ખાતે નિર્માણ પાર્ટી પ્લોટમાં હરીશ રમેશભાઈ મીણા તેમજ તેનો નાનો ભાઈ ગણેશ અહીં છૂટક મજૂરી કામ કરે છે.

બે ત્રણ દિવસથી હરીશની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી બંને ભાઈઓએ પોતાના વતન ઉદેપુરનાં પરેડા ગામ જવાનું નક્કી કર્યું હતું. જેથી ગઈકાલે તેઓ રાત્રીના સમયે વતન જવા માટે પાર્ટી પ્લોટ પાસેના રોડ પર ઉભા રહી વાહનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક રિક્ષા તેમની પાસે આવી હતી. જેમાં પાછળ બેઠેલા બે મુસાફરો તેમજ ડ્રાઈવરે ક્યાં જવાની પૂછપરછ કરી હતી. આથી તેઓએ મોટા ચીલોડા જવાની વાત કરી રૂ. 200 ભાડું નક્કી કરી રિક્ષામાં પાછલી સીટમાં બેસી ગયા હતા.

ત્યારબાદ રિક્ષાનાં ડ્રાઇવરે ગોતા થઈ વૈષ્ણવો દેવીથી ગાંધીનગર તરફ રિક્ષા હંકારી હતી. જ્યાં આગળ જઈને રિક્ષા ઉભી રાખી ત્રણેય જણાએ અંદરો અંદર વાત કરી પાછી રિક્ષા હંકારી હતી. ત્યારે રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં સેકટર-28 બગીચા પાસે અંધારામાં રિક્ષા લાવીને ઉભી રાખી દીધી હતી. હજી તો હરીશ અને ગણેશ કઈ સમજે એ પહેલાં જ ત્રણેય લૂંટારૃઓ રિક્ષામાં પાછલી સીટમાં તેમની પર તૂટી પડ્યા હતા. અને રૂ. 10 હજાર ભરેલું પર્સ લુંટી લીધું હતું.

જેમાથી એક લૂંટારૃએ ખિસ્સામાંથી બ્લેડ કાઢીને ગણેશનાં ગળાના ભાગે અડાડી દીધી હતી અને જે કઈ દાગીના હોય તે આપી દેવા ધાક ધમકીઓ આપવા લાગ્યા હતા. એ દરમિયાન જેમતેમ કરીને ગણેશ રિક્ષામાંથી કૂદીને દોડવા લાગ્યો હતો. આથી લૂંટારૃઓ હરીશને લઈને રિક્ષામાં ભાગવા લાગ્યા હતા. ત્યારે ગણેશ બચાવો બચાવોની બૂમો પાડી પોતાના ભાઈને બચાવવા રિક્ષાની પાછળ દોડ્યો હતો. આ દરમ્યાન લૂંટારૃઓએ હરીશને ચાલુ રિક્ષામાંથી નીચે ફેંકી દીધો હતો.

આ વખતે અહીંથી પસાર થતાં વાહન ચાલકે ગણેશને રિક્ષાનો પીછો કરતાં જોઈ સમયસૂચકતા દાખવી હિંમતભેર રિક્ષાનો પીછો કર્યો હતો. જ્યાં આગળ જઈને રિક્ષાને આંતરી લીધી હતી. ત્યારે અન્ય લોકો એકઠા થઈ જતાં બે લૂંટારૃને મારમારીને ઝડપી લીધા હતા. જ્યારે એક લૂંટારૃ નાસી ગયો હતો. બાદમાં લૂંટારૃઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ વિરાજ ઉર્ફે દુર્લભ દિલાવરસિંહ રાજપૂત (રહે. ગણેશ એપાર્ટમેન્ટ, નવનીત લાલની ચાલી નરોડા) તેમજ રોહિત બાલુભાઈ કોળી (રહે, રાધાકુંજ સોસાયટી, બાપુનગર) હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાસી ગયેલો લૂંટારુ અમદાવાદના વિરાટનગરનો સીતારામ નામનો હોવાનું કહ્યું હતું.

બનાવની જાણ થતાં સેકટર - 21 પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને બન્ને લૂંટારુને ઝડપી લઈ પોલીસ મથકે લઈ આવી હતી. બાદમાં હરીશની ફરિયાદના આધારે ત્રણેય લૂંટારૃ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...