તૈયારીઓનો ધમધમાટ:ગાંધીનગરમાં વાયબ્રન્ટની તૈયારીઓનો ધમધમાટ, ઇન્દિરા બ્રિજથી માંડીને શહેરના મહત્વના માર્ગોનો સર્વે કરી ટ્રાફિક પોલીસ રિપોર્ટ આપશે

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગોનાં કટ, જૂના બેરીકેટસ તેમજ બમ્પ સહિતની વિગતોનો સર્વે કરી ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલાશે

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજવા જઈ રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રની સાથે ગાંધીનગર પોલીસ દ્વારા પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જે અન્વયે ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્દિરા બ્રિજથી લઈને મહાત્મા મંદિર સુધીના રૂટનો સર્વે કરી માર્ગો પરના કટ તેમજ જૂના પુરાણા બેરીકેટસ સહિતની વિગતોનો રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવશે.

કોરોના મહામારીના કારણે વાયબ્રન્ટ સમિટ પર બ્રેક લાગી ગઈ હતી. ત્યારે કોરોના સંક્રમણ નહિવત થતાં જ ગાંધીનગરમાં જાન્યુઆરી વાયબ્રન્ટ મહોત્સવ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હોટલોની પણ વિગતો મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત વિદેશી મહેમાનોની આવન જાવન વાળા માર્ગોનું અધૂરું કામ તેમજ રીપેરીંગ કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્રની સાથે ગાંધીનગર પોલીસ દ્વારા પણ વીઆઈપી બંદોબસ્તને ધ્યાને રાખી કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્દિરા બ્રિજ થી લઈને મહાત્મા મંદિર સુધીના માર્ગોનો સર્વેની કામગીરી આરંભી દેવામાં આવી છે. જે અન્વયે ઇન્દિરા બ્રિજ, ચ, જ, રાજભવન, અક્ષરધામ, સર્કિટ હાઉસ, ચ-5, ઘ-5થી લઈને મહાત્મા મંદિર સુધીના રૂટ પર સર્વે કરાઈ રહ્યો છે.

જે અંતર્ગત ઉપરોક્ત માર્ગો પર આવતાં કટ, બમ્પ, તેમજ બેરીકેટસ સહીતની બાબતો ને આવરી લેવામાં આવશે. ઉપરાંત વીઆઈપી મુવમેન્ટ દરમ્યાન સંભવિત માર્ગો પર કેવા પ્રકારની કાળજી લેવાની રહેશે તે અંગે પણ ઝિણવટપૂર્વક રિપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે. ઉપરાંત વિદેશી મહેમાનોને ટ્રાફિક નડે નહીં તે માટે કયા રૂટના માર્ગો બંધ કે ખુલ્લા રાખવા સહિતનો પણ સર્વે કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

વાયબ્રન્ટ દરમ્યાન મુખ્ય માર્ગો પરથી લારીઓ, ચાની કીટલીઓ તેમજ છૂટક ચીજોનું વેચાણ કરતા લોકોને પણ ખાસ સૂચના આપી માર્ગો પર ઊભા નહીં રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવશે. તેમજ માર્ગો પર સ્ટડ લાઈટસ ફીટ કરવાની પણ કામગીરી કરવામાં આવનાર છે.

આગામી સપ્તાહ સુધીમાં ટ્રાફિક પોલીસ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરીને આખા રૂટનો રિપોર્ટ ઉચ્ચકક્ષાએ મોકલી આપવામાં આવશે. જે બાદ ઉચ્ચ કક્ષાએથી સૂચનાઓ મળ્યા મુજબ માર્ગો પર કેટલા બેરીકેટસ રાખવા, ક્યાં રૂટ ચાલુ રાખવા તેમજ કેટલા માર્ગોનાં કટ બંધ કરવા સહિતની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...