કોર્પોરેટરે ડેપ્યુટી કમિશ્નરને ફરિયાદ કરી:ગાંધીનગર કોર્પોરેશનનાં વેટરનરી ડોક્ટર કોર્પોરેટરનું પણ સાંભળતા નથી, સામાન્ય પ્રજાની સમસ્યાઓ સાંભળશે કોણ ?

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર ઢોર પકડવાની રજૂઆતો કરવા છતાં આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી
  • આખરે કંટાળીને મહિલા કોર્પોરેટરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવી પડી
  • પ્રજાના પ્રતિનિધિઓનું જ કોર્પોરેશનમાં કોઈ સાંભળતું ન હોવાનો ઘાટ ઘડાયો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રખડતા ઢોરો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી વેટરનરી ડોક્ટર દ્વારા નક્કર કામગીરી કરવામાં નહીં આવતાં આખરે અનેક રજૂઆતો કરીને થાકી ગયેલા વોર્ડ-9નાં કોર્પોરેટરને ડેપ્યુટી કમિશ્નરને ફરિયાદ કરવાની નોબત આવી છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રજાના જનપ્રતિનિધિ એવા કોર્પોરેટરોની ફરિયાદો નું જ સમયસર નિરાકરણ કરવામાં આવતું નથી. તો પછી સામાન્ય પ્રજાજનો પોતાની ફરિયાદો લઈને જતાં હશે તો કેવો ઘાટ ઘડાતો હશે તે મોટો યક્ષ પ્રશ્ન છે.

વાત જાણે એમ છે કે વોર્ડ નંબર-9 એટલે કે સેકટર- 2, 3 અને 3 ન્યુ, ઈન્ફોસિટી, કુડાસણ વિસ્તારમાં રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ વધી જવા પામ્યો છે. જે બાબતે અનેક ફરિયાદો મળતાં વોર્ડ નંબર - 9 નાં કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદીએ ઢોર પકડ પાર્ટીના વેટરનરી ડોક્ટર પાર્થ ચૌધરીને ઢોરોથી મુક્તિ અપાવવા અનેક વખત ફરિયાદો કરી હતી. પરંતુ આજદિન સુધી વેટરનરી ડોકટર પાર્થ ચૌધરી દ્વારા કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદીની ફરિયાદોની અવગણના કરવામાં આવી છે.

આ એજ અધિકારી છે કે જેમના વિરુદ્ધ વારંવાર માલધારીઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતાં રહેતા હોય છે. એટલે સુધી કે થોડા દિવસો અગાઉ ઢોર નહીં પકડવા અને છોડી દેવા માટે હપ્તા લેવામાં આવતા હોવાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી.

આખરે વારંવારની રજુઆતો કરવા છતાં પોતાના વોર્ડ વિસ્તારમાંથી રખડતા ઢોરો પકડવામાં નહીં આવતાં કંટાળીને કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર પૂજાબેન બાવડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે વેટરનરી ડોકટર પાર્થ ચૌધરીને રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. આપની કચેરી થકી પ્રાઈવેટ કોન્ટ્રાક્ટ ઢોર પકડવા માટે આપવામાં આવ્યો છે. પરંતુ કંપની તરફથી પણ સંતોષકારક કાર્યવાહી કરાઈ નથી.

પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર પશુ માલિકો સાથે સેટિંગ કરી લેતા હોવાથી ઢોર પકડવામાં આવતા નથી. અને કોર્પોરેશનમાં ખોટા બીલો મૂકવામાં આવી રહ્યા છે. ઢોર પકડીને તુરંત પશુ માલિકોને પરત કરી દેવામાં આવે છે. આથી પોલીસ તેમજ એસઆરપીને સાથે રાખીને રખડતા ઢોરો પકડવા માટે ઓપરેશન હાથ ધરવું જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું છે કે આ કામગીરી દરમિયાન સ્થાનિક કોર્પોરેટરને પણ સાથે રાખવા જોઈએ. આમ તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર - 9 વિસ્તાર ને રખડતા ઢોરોથી મુક્તિ આપવા રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...