પરિણામ:દિગ્ગજ નેતાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો, કૉંગ્રેસને જનાધારવાળા 2 વોર્ડ પણ ગુમાવવા પડ્યા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કૉંગ્રેસના કમિટેડ મત પર આપનું ઝાડું ફરી વળ્યું, કારમી હાર
ચૂંટણીમાં કોંગ્રેસના કમિટેડ મતો ઉપર આપનું ઝાડુ ફળી વળતા જીતની બાજી હારમાં પલટાઇ ગઇ છે. મનપાના વોર્ડ નંબર 6, 8, 9 અને 10માં આપના ઉમેદવારોએ કોંગ્રેસના ઉમેદવારો કરતા વધારે મત હાંસલ કર્યા છે. જ્યારે વોર્ડ નંબર-1માં કોંગ્રેસના ઉમેદવારો કરતા આપના ઉમેદવારોએ માત્ર 461 મત જ ઓછા મળ્યા હોવાથી ભાજપની આખી પેનલ વિજેતા બની છે. આપ અને ભાજપની લડાઇમાં ફાયદો થશે તેવી ભ્રમણામાં રહેલી કોંગ્રેસ કમિટેડ મતોને જાળવી રાખવામાં ઉણાં ઉતરતા આમ આદમી પાર્ટીનું ઝાડું ફળી વળતા જીતનો કોળિયો છીનવાઇ ગયો છે. મનપાના કુલ-11 વોર્ડમાંથી ચાર વોર્ડ નંબર-6, 8, 9 અને 10માં કોંગ્રેસના ઉમેદવારોને આપના ઉમેદવારો કરતા ઓછા મત મળતા 16 બેઠકનું સીધું નુકશાન થયું છે. જ્યારે વોર્ડ નંબર-1 આપના ઉમેદવારોએ કોંગ્રેસ કરતા માત્ર 461 મત જ ઓછા મળ્યા છે. આથી તેનું પણ નુકશાન કોંગ્રેસને ભોગવવું પડ્યું છે. વોર્ડ નંબર-6માં 2081, વોર્ડ નંબર-8માં 1908, વોર્ડ નંબર-9માં 7244 અને વોર્ડ નંબર-10માં 9381 મત કોંગ્રેસના ઉમેદવારો કરતા આપના ઉમેદવારોને વધુ મળ્યા છે.

દિગ્ગજ નેતાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો, ખેરખાં હાર્યા
ભાજપ-કોંગ્રેસના અનેક દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના રાજેન્દ્રસિહ ચાવડા, ભાવેશ દેસાઇ, પ્રથમ ડેપ્યુટી મેયરનાં પત્ની રોશનબેન પરમાર, હસમુખ મકવાણા, લલિતાબેન ઠાકોર, રાકેશ વસૈયા, બ્રિજરાજસિંહ ગોહિલ, પિન્કીબહેન પટેલના પતિ રજની પટેલ, ચીમન વિંઝુંડા, દેવેન્દ્રસિંહ ગોલ, રાકેશ પટેલ, હિરલ જોશીના પતિ ઉર્પલ જોશી, રાજેશ પ્રજાપતિ, કરણસિંહ પરમારને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ભાજપમાં પેથાપુર પાલિકાના પૂર્વ ચેરમેન દિલીપસિહ વાઘેલા, સંજીવ મહેતા, મફાભાઇ દેસાઇને હારનો સમાનો કરવો પડ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીમા વાવોલના પૂર્વ સરપંચ નગીન નાડિયા અને નારણભાઇ પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

મતદારોએ કૉંગ્રેસને 2 તક આપી, ત્રીજી વાર મોં ફેરવ્યું, નારાજગી​​​​​​​
2011માં પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના 18 અને ભાજપના 15 ઉમેદવારો વિજેતા થયા હતા. તે સમયે ભાજપને 95,696 મત જ્યારે કોંગ્રેસને 94,153 મત મળ્યા હતા. કોંગ્રેસને 3 બેઠક વધુ મળી હતી, ગાંધીનગરના પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાએ ઓક્ટોબર-2012માં પેનલના બે સભ્યો સાથે પક્ષપલટો કર્યો હતો. 2016ની ચૂંટણીમાં બંનેને 16-16 બેઠકો મળી હતી. તે સમયે ભાજપને કુલ 1,29,733 મત જ્યારે કોંગ્રેસને 1,36,095 મત મળ્યા હતા, એટલે કે કોંગ્રેસને 6362 મત વધુ મળ્યા હતા. જોકે પ્રવિણ પટેલ પક્ષપલટો કરીને મેયર બન્યા હતા અને ભાજપને ફરી સત્તા મળી હતી. બે વખત પક્ષપલટો અને કોંગ્રેસની નિષ્ક્રિયતાથી કંટાળેલી જનતાએ ત્રીજી વખત તક ન આપી.​​​​​​​

કૉંગ્રેસને જનાધારવાળા 2 વોર્ડ પણ ગુમાવવા પડ્યા, ભરોસો તૂટ્યો
​​​​​​​કોંગ્રેસ માટે સૌથી આશ્ચર્યજનક પરિણામો વોર્ડ નં-4 અને વોર્ડ નં-6માં આવ્યા છે. બંને વોર્ડના વિસ્તારો અગાઉ કોંગ્રેસ તરફ હતા. આ વખતે બંને વોર્ડમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. વોર્ડ 4માં કોંગ્રેસના 3 કોર્પોરેટર જેમને પક્ષ ફરી ટિકિટ આપી હતી તે હારી ગયા છે. રોશનબેન પરમાર, લલીતાબેન ઠાકોર અને હસમુખ મકવાણાનો સમાવેશ થાય છે. બીજી તરફ વોર્ડ નંબર-6માં આપના તુષાર પરીખે ભાજપની પેનલ તોડી છે. આ વોર્ડમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ચમનભાઈ વિંઝુડાને હારનો સામનો કરવો પડ્યો છે. આ તરફ કોંગ્રેસના અંકિત બારોટ વોર્ડ નંબર-3માં અને ગજેન્દ્રસિંહ વાઘેલા વોર્ડ નં-2માં જીત્યા હતા.

અન્ય સમાચારો પણ છે...