PMના જન્મદિવસની ઉજવણી:ગાંધીનગરમાં ભાજપ દ્વારા 'સેવા અને સમર્પણ અભિયાન' અંતર્ગત આજથી 7 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનગર પાલિકાના તમામ 11 વોર્ડમાં ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે
  • મેડિકલ કેમ્પ યોજી મહિલાઓને સર્વાઈકલ કેન્સરના આગોતરા નિદાન માટેનો PAP-Smear Test વિનામુલ્યે કરાશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. દેશભરમાં વડાપ્રધાનના જન્મદિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં ભાજપ દ્વારા આજથી 7 ઓક્ટોમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિન નિમિત્તે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સૂચન તેમજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષ ઋચિર ભટ્ટની આગેવાનીમાં ભાજપ દ્વારા 'સેવા અને સમર્પણ અભિયાન' અંતર્ગત આજથી 7 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.

રસીકરણ ઝુંબેશ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન

આ અભિયાન અંતર્ગત મહાનગરના તમામ 11 વોર્ડમાં ભાજપા સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતા પોસ્ટકાર્ડ લખાણ, કેન્દ્રની ભાજપા સરકારની લોકકલ્યાણકારી કામગીરી અને જનહિતની અનેક યોજનાઓની માહિતી આંગળીના ટેરવે મેળવવા 'નમો એપ ડાઉનલોડ અભિયાન', રાષ્ટ્રનિર્માણના ભાવ સાથે સેવાકાર્ય સંકલ્પ, ધાર્મિક કાર્યક્રમો-ભગવાન શ્રી રામની આરતી, પર્યાવરણના જતન અંગે જનજાગૃતિ, નોન ડીગ્રેડબલ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા અંગે જાગૃતિ, નદી, તળાવ સફાઇ, વૃક્ષારોપણ, ચિકિત્સા શિબિર(મેડિકલ કેમ્પ), મોટા પાયે રસીકરણ ઝુંબેશ, જરૂરિયાતમંદ દર્દીઓને તથા વિધવા બહેનોને સહાય સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ સેવા કાર્યો વ્યાપકપણે યોજવામાં આવશે

આ ઉપરાંત વૃદ્ધાશ્રમ તેમજ ગરીબ બાળ દર્દીઓને ફળફળાદી વિતરણ, દિવ્યાંગોને સહાયતા, જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ દ્વારા સેવા અને સમર્પણ અભિયાન અંતર્ગત સેવા અને જનજાગૃતિના ભાવ સાથે સમર્પણના ભાવ સાથે અભિયાનને અસરકારક બનાવવા માટે મહાનગર ભાજપાનું સંગઠન જોતરાશે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતી અને 2 ઓક્ટોબર ગાંધી જયંતીને ઉપલક્ષ્યમાં વિવિધ સેવા કાર્યો વ્યાપકપણે યોજવામાં આવશે.

11 સ્થળોએ મેડિકલ કેમ્પ

સ્વામિનારાયણ મંદિર હોલ, સે-2 ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનવૃતાંત આધારિત માહિતી સભર પ્રદર્શની પણ ખુલ્લી મુકવામાં આવી છે. જે આગામી 5 દિવસ સુધી નિહાળી શકાશે. સેવા અને સમર્પણ અભિયાન અંતર્ગત મહાનગર ભાજપા દ્વારા 11 સ્થળોએ બપોરે મેડિકલ કેમ્પ યોજી મહિલાઓને સર્વાઈકલ કેન્સરના આગોતરા નિદાન માટેનો PAP-Smear Test વિનામુલ્યે(સ્થળ દીઠ 50 મહિલાઓ)કરી આપવામાં આવશે.

નવચંડી યજ્ઞ પણ કરાયો હતો

તેમજ સ્વામીનારાયણ મંદિર સેક્ટર-2 ખાતે બાળ તંદુરસ્ત હરીફાઈ ઉપરાંત નીલકંઠ વિલા, પેથાપુર ખાતે મહાનગર ભાજપા દ્વારા વડાપ્રધાન જન્મદિન નિમિત્તે તેમના આરોગ્યપ્રદ દીર્ઘાયુ માટે નવચંડી યજ્ઞ પણ કરાયો હતો. ગાંધીનગર મહાનગરમાં સેવા અને સમર્પણ અભિયાન અસરકારકતા સાથે કરવા માટે ઋચિર ભટ્ટના માર્ગદર્શન હેઠળ જીગ્નેશભાઈ પટેલ(શહેર ઉપપ્રમુખ) તેમજ વાસુભાઈ પટેલ(શહેર મંત્રી)ને ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત વિવિધ વિભાગોના ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનને સેવા અને સમર્પણનો અવસર બનાવી વધુમાં વધુ જનતા સુધી વિવિધ કાર્યક્રમો થકી સેવા અને જનજાગૃતિ પહોંચાડવાનો સંનિષ્ઠ પ્રયાસ મહાનગર ભાજપા સંગઠન દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...