ચૂંટણી:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મામલે વિવિધ સમાજે પણ પક્ષો સામે બાંયો ચઢાવી

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પાટીલના બંગલે સૌરભ પટેલના સમર્થકોએ પાણી પણ ના પીધું
  • પહેલા તબક્કામાં મતદાન છતાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની 11 બેઠકો પર નામો અટવાયા
  • કોંગ્રેસે કકળાટ કાઢ્યો, ભાજપના ઘરમાં પેઠો, આપમાં ઉકળતો ચરૂ

ગુજરાત ભાજપે પોતાની પ્રથમ યાદી જાહેર કરતાં જ ઠેર-ઠેર આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં, કાર્યકર્તાઓનો રોષ છે. ભાજપના કાર્યકર્તાઓ ગુસ્સા સાથે પ્રદેશ કાર્યાલય કમલમ, અધ્યક્ષ સી.આર.પાટીલના ઘર સુધી મોરચો લઇને પહોંચ્યા હતા. આવું સામાન્ય રીતે કોંગ્રેસમાં થતું હતું પણ આ વખતે કોંગ્રેસમાં એકાદ-બે સામાન્ય વિરોધ સિવાય શાંતિ છે. આમ આદમી પાર્ટીમાં કેજરીવાલના એજન્ડાથી મતદાતાઓ અંજાઇને વોટ આપશે તેવી આશાએ ઘણાં લોકોને ટિકિટની આશા હતી. અહીં પણ આશા ગુસ્સામાં પરિવર્તિત થઇ ગઇ અને લોકો પાર્ટી છોડીને ભાગી રહ્યા છે.

શહેરા બેઠક પર ધારાસભ્ય જેઠા ભરવાડને રિપીટ કરાતા અન્ય દાવેદાર ખાતુભાઈ પગીએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તેમણે અમિત શાહની હાજરીમાં ભાજપની સંસદીય સમિતિની બેઠક ચાલતી હતી તે વખતે જ સમર્થકો સાથે જેઠા ભરવાડ વિરુદ્ધ રજૂઆત કરી હતી. નાંદોદમાં દર્શના દેશમુખ વસાવાને ટિકિટ આપતા ભાજપમાં બળવો છે. ભાજપના આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વાંકાનેરમાં હારેલા ઉમેદવાર જીતુ સોમાણીને રિપીટ કરાતાં ભડકો છે. રાજવી વંશજ કેશરીદેવસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી કરવા મન બનાવ્યું છે.

હિંમતનગરમાં કડવા પાટીદાર સમાજે બાંયો ચડાવી છે. હજુ આ બેઠક પર ઉમેદવાર જાહેર નથી થયો પણ પાટીદારને ટિકિટ નહીં મળે તો સમાજના નિર્ણયનો સામનો કરવા ચીમકી આપી છે. ધાનેરામાં ભગવાનદાસ પટેલની જાહેરાત થતાં દાંતીવાડા ભાજપના કાર્યકરો ભડક્યા છે. નિવૃત્ત ડીવાયએસપી અને બનાસ ડેરીના ડિરેક્ટર પી.જે.ચૌધરીને ટિકિટ મળે તે માંગ હતી. ભાજપ પ્રમુખ સી. આર.પાટીલના વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલને રિપીટ કરાતાં તેમની વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે.

બાયડની ટિકિટ ન મળતા ભૂતપૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સામે રણશિંગુ ફૂંક્યું છે. ઉમેદવાર ભીખીબેન પરમારને કારણે નારાજ છે. બોટાદમાં સૌરભ પટેલની ટિકિટ કપાતા તેમના સમર્થકોએ પાટીલના બંગલે પાણી પણ નહોતું પીધું. માતરમાં કપાયેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ઝાડુ પકડી લીધું છે. મહુવામાં મંત્રી આર.સી.મકવાણાને બદલે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને જાહેર કરાતા સમર્થકોએ રાજીનામાં ધરી દીધાં છે. કરજણમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા તૈયાર છે, સુરતના ચૌર્યાસીમાં ખના પટેલ કપાય અને ન સંદીપ દેસાઇને ટિકિટ મળે તેવી વાત ફેલાતાં કોળી પટેલ સમાજ બળવો પોકારે એવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...