દહેગામ તાલુકાના વડવાસા ગામના ખેડૂતની 50 વિઘા જમીન વેચાણ આપવાની હતી. જેને લઇને ખેડૂતના પરિચિતને વાત કરવામાં આવી હતી. પરિચિત દ્વારા અમદાવાદના વ્યક્તિને જમીન ખરીદવામાં રસ હોવાનુ જણાવ્યુ હતુ. 50 વિઘા જમીનને 6 કરોડ રૂપિયામાં વેચવાનુ નક્કી કર્યુ હતુ. જેમાં પહેલા 1.30 કરોડ રૂપિયા ખેડૂતને આપવામાં આવ્યા હતા. પરંતુ બાકીના કરોડો રૂપિયા ખેડૂતને આપવામાં આવતા ન હતા અને બહાના બતાવતા હતા. જ્યારે આ બાબતે દલાલને વાત કરતા તેણે ખેડૂત પાસેથી પાવર લખાવી લઇને જમીન ખરીદનાર સાથે હાથ મિલાવી લેતા બંનેએ છેતરપિંડી કરી હતી.
જેને લઇને બે આરોપીઓ સામે સેક્ટર 7 પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી હતી. બળવંતસિંહ વિઠ્ઠલરાય ગાયકવાડ (રહે, સેક્ટર 4. મૂળ રહે, વડવાસા, દહેગામ) હાલમા નિવૃત છે, પરિવારમાં પત્નીનુ ચાર વર્ષ પહેલા અવસાન થયુ હતુ, જ્યારે તેઓ નિ:સંતાન છે. વડવાસા ગામમાં વડીલો પાર્જિત 50 વિઘા જમીન મળેલી છે. જેનુ વેચાણ કરવાનુ હોવાથી દહેગામમાં રહેતા તેમના પરિચિત ગોપાલ શાહને વાત કરી હતી. તેમણે જગદીશ મોતીલાલ શેઠ (રહે, એ, 121, રીવેરા હાઇટ્સ, વેજલપુર, અમદાવાદ) સાથે વેચાણનુ નક્કી થયુ હતુ.
જેમાં એક વિઘાના 12 લાખ રૂપિયા મળી કુલ 50 વિઘાના 6 કરોડ રૂપિયા ભાવ નક્કી થયો હતો.જેમાં એક કરોડનો દસ્તાવેજ અને બાકીના નાણાના ચેક આપવામાં આવ્યા હતા. જેમાં જેમ જેમ રૂપિયા આપવામાં આવે તેમ તેમ ચેક પરત આપવાની શરત નક્કી કરી હતી. જગદીશ શેઠને વર્ષ 2014મા જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. તેમા સમયાંતરે 1.30 કરોડ રુપિયા આપ્યા હતા. પરંતુ બાકીના 4.70 કરોડ રૂપિયા આપવામાં બહાના બતાવતા હતા. શેઠ નાણાં નહિ ચૂકવતા વાયદાનો વેપાર કરવા લાગ્યા હતા.
ત્યારબાદ ગોપાલ શાહ મારફતે જમીન દલાલ સાહર રામા રબારી (રહે, બી, 110, અંજલી સોસાયટી, જનતાનગર, ચાંદખેડા)ને મળ્યા હતા.દલાલે નાણા અપાવવાનો ભરોસો આપતા ખેડૂતનો વિશ્વાસ જીતી લીધો હતો. સિવિલ કાર્યવાહી કરવા દલાલે ખેડૂત પાસેથી પાવર માગતા લખી આપ્યો હતો. ખેડૂતની પત્ની બિમાર રહેતા ધક્કામાંથી મુક્તિ અપવવાનુ કહીને વર્ષ 2016મા સ્ટેમ્પ ઉપર સહિઓ કરાવી લીધી હતી અને બાદમા દલાલે સ્ટેમ્પ પોતાની પાસે રાખી લીધો હતો.
ત્યારપછી દલાલે શેઠ પાસે હાથ મીલાવી લેતા ખેડૂતને કહ્યુ હતુ કે, શેઠ નાણા આપવા તૈયાર છે, ત્યારે આપણે દાવો પરત ખેંચી લીધો હતો. ફરીથી નાણાં નહિ આપતા હાઇકોર્ટમા જવાનુ કહીને તમામ ચેક અને દસ્તાવેજ દલાલે તેની પાસે રાખી લીધા હતા. જ્યારે હાઇકોર્ટની એપ્લીકેશન પણ ખેડૂતની જાણ બહાર પાછી ખેંચી લીધી હતી. ત્યારપછી માહિતી મળી હતી કે, જમીન દલાલ શેઠ સાથે મળી ગયો છે. જેમા શેઠે જમીનમા તેના વારસદાર તરીકે પત્નિ દિવ્યાબેન, પુત્રી પૂજાબેન અને પૂત્ર આકાશના નામ દાખલ કરાવી દીધા હતા.
આ બનાવને લઇને ખેડૂતે જમીન ખરીદનાર શેઠ અને જમીન દલાલ રબારી સામે સેક્ટર 7 પોલીસ મથકમા ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.ગાંધીનગર આસપાસની જમીનોના ભાવ વધતાં છેતરપિંડીના બનાવો પણ વધી રહ્યા છે. જમીનોના ભાવ વધતાં ભૂમાફિયાઓ દ્વારા પણ જમીન પર કબજો કરવાના કેસ વધી રહ્યા છે. તાજેતરમાં પણ આવો એક બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કરોડોની જમીનનો સોદો કર્યા બાદ જમીનના થોડા નાણાં આપી બાકીના કરોડો બાકી રાખી ન આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.