તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી માટે હજુ રાહ જુઓ:રાજ્યમાં 18+ માટે જૂનમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, હાલ 45+ અને બીજા ડોઝ માટે જ રસી અનામત રાખવા સૂચના

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકારે આપેલા ઓર્ડર મુજબનો સપ્લાઇ મે મહિનાના અંત સુધી આવે એવી શક્યતા નથી. - Divya Bhaskar
ગુજરાત સરકારે આપેલા ઓર્ડર મુજબનો સપ્લાઇ મે મહિનાના અંત સુધી આવે એવી શક્યતા નથી.
  • 15મી મેથી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનારા રસીના ડોઝનો 70 ટકા જથ્થો 45થી વધુ વય માટે રિઝર્વ રાખવામાં આવશે
  • ગુજરાત સરકારે કોવિશીલ્ડ રસીના 2.50 કરોડ અને કોવેકિસનના 50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે, જે મે મહિનાના અંત સુધી મળી શકે છે

ગુજરાતમાં રસીકરણની કામગીરી ધીમી પડી જતાં રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. પ્રજા રસી લેવા તત્પર છે, પણ સરકાર પાસે એટલો રસીનો સ્ટોક નહીં હોવાથી આ પ્રક્રિયામાં અંધાધૂંધી ફેલાઈ રહી છે. એ સંજોગોમાં ગુજરાતને 15મી મેના રોજ કેન્દ્રમાંથી મળનારો રસીનો નવો જથ્થો માત્ર 45થી વધુ ઉંમરના અને બીજા ડોઝ માટે જ ઉપયોગમાં લેવા જણાવ્યું છે, જેથી 18થી 45 વર્ષની વયનાને જૂન મહિનામાં રસી મળી શકે છે.

કેન્દ્ર પાસેથી મેળવીને રાજ્ય સરકાર ફ્રીમાં રસી આપે છે
ગુજરાતમાં મે મહિનાના આરંભની સાથે 18થી 45 વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ રસી કેન્દ્ર સરકાર પાસેથી મેળવીને સરકાર ફ્રીમાં આપી રહી છે, પરંતુ સમગ્ર રાજ્યમાં 18થી 45 વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માટે જૂન મહિના સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. ગુજરાત સરકારે કોવિશીલ્ડ રસીના 2.50 કરોડ ડોઝ તેમજ કોવેકિસનના 50 લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે, પરંતુ એ મુજબનો સપ્લાઇ મે મહિનાના અંત સુધી આવે એવી શક્યતા નથી.

ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનને લીધે શહેરનાં અન્ય સેન્ટરોમાં વેક્સિન ખૂટી પડી હતી.
ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનને લીધે શહેરનાં અન્ય સેન્ટરોમાં વેક્સિન ખૂટી પડી હતી.

મે મહિનાના અંતમાં સપ્લાઇ આવે એવી શક્યતા નહિવત
ગુજરાત સરકારે આપેલા ઓર્ડર મુજબનો સપ્લાઇ મે મહિનાના અંત સુધી આવે એવી શક્યતા નથી. એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં સૌથી વધુ સંક્રમિત અમદાવાદ સહિતનાં સાત મહાનગરો તેમજ ભરૂચ, મહેસાણા, કચ્છ જિલ્લામાં રજિસ્ટ્રેશનના આધારે સ્લોટ ફાળવીને મર્યાદિત સંખ્યામાં 18થી 45 વર્ષના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાત સરકાર સીરમ ઈન્સ્ટિટ્યૂટને 2.50 કરોડ ડોઝ માટે ઓર્ડર આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે, પરંતુ હાલ આ કંપની પાસે કેન્દ્ર સરકાર ઉપરાંત અન્ય રાજયોના પણ ઓર્ડર છે. આ જ રીતે ભારત બાયોટેક નિર્મિત કોવેકિસનના 50 લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે અને તેની ઉપલબ્ધતા પણ વિલંબમાં છે.

નવી ગાઈડલાઈન્સનો અમલ થતાં લાઈનમાં ઊભેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
નવી ગાઈડલાઈન્સનો અમલ થતાં લાઈનમાં ઊભેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

સ્ટોક મળશે એમ કામગીરી ગોઠવાશે
હાલ કેન્દ્ર સરકાર દ્રારા આઠ રાજ્યને અપાતા કવોટામાં ગુજરાતને દર ચાર દિવસે મળતી વેકિસનમાંથી 10 મહાનગરો–જિલ્લામાં રસી અપાઈ રહી છે. આ પ્રક્રિયા મેના અંત સુધી ચાલુ રહેશે. એ દરમિયાન બંને કંપનીઓ પાસેથી જેમ–જેમ સ્ટોક મળતો જશે તેમ તેમ અન્ય જિલ્લાઓમાં રસીકરણની કામગીરી ગોઠવાશે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં જ દેશનાં જુદાં જુદાં રાજયોમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન હાલ રાજ્યો પાસે ઉપલબ્ધ રસીના સ્ટોકની વિગતો લેવાઈ હતી તેમજ બગાડ અટકાવવા પર ખાસ ભાર મુકાયો હતો.

રસીનો સ્ટોક નહીં હોવાથી આ પ્રક્રિયામાં અંધાધૂંધી ફેલાઈ રહી છે.
રસીનો સ્ટોક નહીં હોવાથી આ પ્રક્રિયામાં અંધાધૂંધી ફેલાઈ રહી છે.

હાલ રાજ્ય પાસે રસીના 5 લાખ ડોઝ જેટલો સ્ટોક છે
આ ઉપરાંત 15થી 31 મે માટે 45 વર્ષથી ઉપરના લોકો માટે ચાલી રહેલા રસીકરણ માટે કેટલો સ્ટોક જોઈશે એનો અંદાજો કેન્દ્રને મોકલી આપવાનું જણાવાયું છે. આ જરૂરિયાતના આધારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મોકલી અપાશે. હાલ રાજ્ય પાસે 5 લાખ જેટલો ડોઝનો સ્ટોક છે. ત્રણ દિવસમાં નવો સ્ટોક આવશે. આ સ્ટોક ચારેક દિવસ ચાલે તેમ છે. કેન્દ્રના આરોગ્ય વિભાગે વિવિધ રાજ્યોને જણાવ્યું છે કે 45થી વધુ વયજૂથના જે લોકોને પહેલો ડોઝ અપાયો છે તેમને બીજા ડોઝ આપવાનો સમય થયો હોવાથી સ્થિતિને ધ્યાનમાં લઈને 15 મેથી ગુજરાતને મળનારી રસીના 70 ટકા ડોઝ 45 વર્ષથી ઉપરના લોકોને બીજો ડોઝ આપવામાં વપરાય તેવું આયોજન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...