વેક્સિનેશન:ગાંધીનગરમાં આવતીકાલથી ખાનગી શાળામાં વેક્સિનેશન કેમ્પ યોજાશે, શાળા સંચાલકોએ પણ તૈયારી શરૂ કરી

ગાંધીનગર13 દિવસ પહેલા
  • આરોગ્ય વિભાગે જિલ્લાના 85 હજાર જેટલા બાળકોને સપ્તાહમાં વેક્સિનેટ કરવા કવાયત હાથ ધરી

ગાંધીનગરમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોરોના રસી આપવા માટે આવતીકાલે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રસી આપવા માટે કેમ્પ યોજાનાર છે. જે અન્વયે શહેરની શાળાના સંચાલકોએ પણ આગોતરી તૈયારી કરી લીધી છે.

ગાંધીનગરમાં કોરોનાનો આંકડો સદી વટાવી ચૂક્યો છે. આ વખતની ત્રીજી લહેરમાં વિધાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. પુખ્ત વયના વ્યક્તિઓને કોરોનાની રસી ના ડોઝ આપી દેવાયા હોવાથી મૃત્ય આંક બીજી લહેરની સરખામણીએ ઘણો ઓછો છે. પરંતુ બાળકો પણ કોરોનાથી સંક્રમિત થવા લાગતાં સરકારે 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસીથી જેમ બને તેમ જલ્દીથી સુરક્ષિત કરવાનો નિર્ણય કરાયો છે.

જે અન્વયે ગાંધીનગર આરોગ્ય તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને જિલ્લાના આશરે 85 હજાર જેટલા બાળકોને સપ્તાહની અંદર વેક્સિનેટ કરી દેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોનું ટીકાકરણની સાથે આવતીકાલે ગાંધીનગરની ગ્રાન્ટેડ શાળાઓમાં પણ રસીકરણ કેમ્પ યોજાનાર છે. જે માટે તાલીમ બદ્ધ આરોગ્યની ટીમ દ્વારા બાળકોને રસી મૂકવામાં આવશે.

જેનાં માટે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાના સંચાલકો પાસેથી ડેટા મંગાવવામાં આવ્યો હતો. જેની સામે શાળા સંચાલકોએ પણ વાલીઓને રસીકરણના સંમતિ પત્રક મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે ગાંધીનગરનાં ગિફ્ટ સિટીમાં આવેલ પીનાંકલ સ્કૂલના પ્રિન્સિપાલ અનિતા ખ્યાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી વાલી - ટીચર્સ એસોસિયેશન સાથે ચર્ચાનાં અંતે ઓનલાઇન, ઓફ લાઇન તેમજ હાઈબ્રીડ રીતે શાળામાં શિક્ષણ કાર્યની શરૂઆત કરાઈ છે. શાળામાં કોવિડ ગાઈડ લાઈનના નિયમો વધુ કડક કરી દીધા છે.

જે અન્વયે શાળામાં આવતાં વિદ્યાર્થીઓને માસ્ક, સેનિટાઇઝર તેમજ સોશિયલ ડીસ્ટન્સીનું અચૂકથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. આવતીકાલે યોજાનાર વેક્સિનેશન કેમ્પને લઈને અગાઉથી વાલીઓને સર્કયુલર મોકલી આપી બાળકોને રસી માટે મોટિવેટ કરવામાં આવી રહ્યા છે. આવનાર સમયને ધ્યાને રાખી બધાએ સાવચેતી રાખવાની તાતી જરૂરિયાત છે. તેમજ બાળકોને શરદી ખાંસી તેમજ તાવ જેવા લક્ષણો થોડાં પણ દેખાય તો વાલીઓને બાળકોને શાળાએ નહીં મોકલવા માટે પણ જાણ કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...