તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેકોર્ડ:NFSUમાં સર્જાયો અનોખો રેકોર્ડ, દેશ-વિદેશનાં 7 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા એપ્લિકેશન કરી

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નજીકના ભવિષ્યમાં અનેક રાજ્યોમાં ઓફ કેમ્પસ સેન્ટર સ્થપાશે
  • 31મી ઓગસ્ટ સુધીમાં મોટાભાગના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા થઈ ચૂકી છે પૂર્ણ

વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU)માં શૈક્ષણિક વર્ષ-2021-22માં પ્રવેશ માટે એક અનોખો રેકોર્ડ સર્જાયો છે. આ યુનિવર્સિટી ખાતે દેશ-વિદેશના પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા 7 હજારથી વધી ગઈ છે. જોકે, તારીખ 31મી ઓગસ્ટ, 2021ના રોજ મોટાભાગના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. માત્ર ગણતરીના 15 કોર્સમાં તારીખ 6 સપ્ટેમ્બર, 2021 સુધી એડમિશનની તારીખ લંબાવાઈ છે.

NFSUમાં અનેક નવી સ્કૂલ્સ તથા નવા કોર્સિસ શરૂ કરાયા

આ અંગે વિગતો આપતા NFSUના કેમ્પસ ડાયરેક્ટર પ્રોફે.ડો. એસ. ઓ. જુનારેએ જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે. એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ આ શૈક્ષણિક વર્ષમાં NFSUમાં અનેક નવી સ્કૂલ્સ તથા નવા કોર્સિસ શરૂ કરાયા છે. જે કોર્સિસમાં પણ પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો પ્રતિભાવ સાંપડ્યો છે.

ગણતરીના 15 કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા લંબાવાઈ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બીજી સપ્ટેમ્બર, 2021 સુધીમાં દેશ-વિદેશના કુલ 7,002 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે એપ્લિકેશન કરી દીધી છે. હવે માત્ર 15 જેટલા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા લંબાવાઈ છે. તેમાં એમએસ.સી. ફોરેન્સિક ઓડોન્ટોલોજી, એમએસ.સી. ફોરેન્સિક નેનોટેક્નોલોજી, એમએસ.સી. ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી, એમએસ.સી. હોમલેન્ડ સિક્યોરિટી, એમ.એ. પોલીસ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ, એમ.ટેક સિવિલ એન્જિનિયરિંગ (ફોરેન્સિક સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ) તથા પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઈન ફોરેન્સિંગ નર્સિંગનો સમાવેશ થાય છે.

પી.જી.ડીપ્લોમા કોર્સમાં હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ, ફિંગરપ્રિન્ટ સાયન્સ, ફોરેન્સિક ટોક્સિકોલોજી, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, હાઈજીન એન્ડ એન્વાયર્ન્મેન્ટલ મેનેજમેન્ટ, ફોરેન્સિક જર્નાલિઝમ, સાયબર સાયકોલોજી, હોમલેન્ડ સિક્યોરિટી અને ક્રાઈમ સીન મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

NFSUના દિલ્હી કેમ્પસમાં નવા કોર્સનો પ્રારંભ

પ્રોફે. જુનારેએ જણાવ્યું કે, આ વર્ષથી નેશનલ ફોરેન્સિક સાયન્સિક યુનિવર્સિટીના દિલ્હી કેમ્પસ ખાતે પણ નવા કોર્સનો પ્રારંભ થયો છે. સાથોસાથ નજીકના ભવિષ્યમાં દેશનાં અનેક રાજ્યોમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી દ્વારા ઓફ-કેમ્પસ સેન્ટરનો પણ પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...