વિરોધ પ્રદર્શન:ગુજરાતમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક થતા બેરોજગાર યુવાનોએ જૂના સચિવાલયમાં વિરોધ પ્રદર્શન કર્યું

ગાંધીનગર5 મહિનો પહેલા
  • વિધાનસભાનુ સત્ર શરૂ થવા ટાણે જ ટેટ પાસ બેરોજગાર શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

તાજેતરમાં સરકાર દ્વારા શિક્ષકોની ખાલી જગ્યાઓમાં દસ હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા આદેશ થતા લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા બેરોજગાર ઉમેદવારોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. જેનાં પગલે આજે ટેટ પાસ બેરોજગાર શિક્ષકો દ્વારા ગાંધીનગરના જુના સચિવાલય ખાતે એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આજે ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયએ કહ્યું હતું કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હોય છે. ત્યારે આ વિદ્યાર્થીઓને યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો મારફતે શિક્ષણ આપવાની જગ્યાએ ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટનું ઉલ્લંઘન કરી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરી લાખો ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે.

એટલુ જ નહી 18000 જેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે સામે એક લાખ કરતાં પણ વધુ યુવાનો ટેટ પાસ કરી નોકરીની રાહ જોઈ રહ્યા છે. જેની સામે સરકાર માત્ર 3300 શિક્ષકોની ભરતી કરી બેરોજગાર યુવાનો સાથે અન્યાય કરી રહી છે.

તમામ ખાલી જગ્યાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તો કેટલાય બેરોજગાર યુવાનોને રોજગારી મળવાની સાથે શિક્ષણમાં પણ સુધારો થાય એમ છે. તેમ છતા સરકાર દ્વારા ભરતી ન કરાતા સોમવારના રોજ દરેક જીલ્લાના કલેકટરને આવેદનપત્ર આપી સરકારની અન્યાયી નિતીઓને લોકો સમક્ષ ઉજાગર કરી આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...