શહેરની રચના સમયે એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં જવા માટે 12 જેટલા અંડરપાસ બનાવાયા હતા. સમય જતાં અંડરપાસ પૂરી દેવાયા હતા અને હાલ સેક્ટર-21માં વર્ષો જૂનો અંડરપાસ અને ઘ-4 ખાતે અંડરપાસ છે. ગ-4 ખાતે અંડરપાસની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે ચ રોડ પર સેક્ટર-21 અને સેક્ટર-22ને જોડતા અંડરપાસની કામગીરી શરૂ કરાઈ છે. સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત તંત્ર દ્વારા અગાઉ અંદાજે રૂ. 16 કરોડના ખર્ચે ચ રોડ અને ઘ રોડ પર સેક્ટર-22 અને 23ને જોડતા અંડરપાસ બનાવવાની જાહેરાત કરી હતી.
સેક્ટર-21 ખાતે ગોવર્ધન નાથજીની હવેલી પાસે બુધવારે જ અંડરપાસ માટે જેસીબીથી ખોદકામ શરૂ થયું છે. બીજી તરફ સેક્ટર-22 ખાતે પંચદેવ મંદિર સામે 24 કલાક પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હાલ નાખી દેવાયેલી પાણીની લાઈન આગામી સમયે સે-21 તરફથી આવતા અંડરપાસમાં વચ્ચે આવશે, તે નક્કી છે.
જેને પગલે આ સમયે અહીં ફરી ખોદકામ થશે તે નક્કી છે. ત્યારે મળેલી માહિતી મુજબ કોર્પોરેશન અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ વચ્ચે આ અંગે સંકલન મીટિંગ પણ મળી હતી, જેમાં અંડરપાસનું કામ જે સમયે પાણીની લાઈન પાસે આવશે ત્યારે અહીં બે કૉલમ ઊભા કરીને હાલ નીચે નાખેલી લાઈન અંડરપાસના લેવલે ઉપર લેવાશે અને જે બાદ તેને કવર કરી દેવાશે.
ભારે વાહનો પસાર નહીં થઈ શકે
અંડરપાસમાં નીચે સાડા ત્રણ મીટર જેટલો ગાળો રહેશે એટલે ઈનોવા જેવી ગાડીઓ જ જઈ શકશે. ભારે વાહનો અંદરથી પસાર થઈ શકશે નહીં. હાલ સેક્ટર-21 અને જૂના સચિવાલય વચ્ચે આ પ્રકારનો અંડરપાસ છે. શહેરની સ્થાપના સમયે શહેરમાં આવા 12 અંડરપાસ હતા જે સમય છતાં પુરાઈ જતાં હાલ સે-21નો જ અંડરપાસ હયાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.