તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Under The Pretext Of Setting Up An Industrial Park, Father And Son's Chandal Chokdi Turned Over Rs 4 Crore To The People Of The Society. Crime Was Registered In Gandhinagar.

કરોડોની છેતરપિંડી:ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ઊભો કરવાના બહાને પિતા-પુત્રની ચંડાળચોકડીએ સમાજના લોકોનું પોણાચાર કરોડનું ફુલેકું ફેરવ્યું, ગાંધીનગરમાં ગુનો નોંધાયો

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેડા ગામના બારોટ સમાજના લોકો સાથે સહકારી મંડળીની રચના કરવાની લોભામણી લાલચ આપી
  • સહકારી મંડળી બનાવી દરેક સભ્યોને આર્થિક લાભો અપાવવાનો વિશ્વાસ સંપાદન કર્યો

ગાંધીનગરના માણસા તાલુકાના વેડામાં (પીલવાઈ) રહેતા બારોટ સમાજના લોકોને ઉમતા ગામે ઈન્ડસ્ટ્રિયલ પાર્ક ઊભો કરી સમાજનો વિકાસ કરવાની સુફિયાણી વાતો કરી સમાજના નામે સહકારી મંડળી બનાવી દરેક સભ્યને આર્થિક લાભો અપાવવાનો વિશ્વાસ સંપાદન કરીને બારોટ સમાજના આગેવાન બળવંતરાય અંબાલાલ બારોટ તેમજ તેમના ત્રણ પુત્રોએ રૂપિયા 3 કરોડ 81 લાખ 50 હજારનું ફુલેકું ફેરવ્યું હતું, જેથી માણસા પોલીસે ચારેય પિતા-પુત્રની ચંડાળચોકડી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બળવંતરાય બારોટ સમાજમાં આગવું સ્થાન ધરાવે છે
માણસા તાલુકાના વેડા (પીલવાઈ) ગામે બારોટ વાસમાં રહેતા મનહરભાઈ રૂગનાથભાઈ બારોટે નોંધાવેલી ફરિયાદ મુજબ, વેડા ગામમાં બારોટ જ્ઞાતિના 100 પરિવાર છે, જેમાં મૂળ વેડા ગામના અને હાલ મોનાર્ક રેસિડેન્સી, રાયજીબાગ જૂનાગઢમાં રહેતા બળવંતરાય અંબાલાલ બારોટ જ્ઞાતિ તેમજ ગામના વડીલ અને આગેવાન છે. જેઓ શિક્ષક તરીકે નિવૃત્ત થયા છે અને નાના-મોટા જ્ઞાતિના સામાજિક પ્રશ્નો બાબતે સલાહ-સૂચન આપી એનું યોગ્ય નિરાકરણ લાવતા હોય છે, જેથી બળવંતરાય બારોટ સમાજમાં આગવું સ્થાન ધરાવે છે.

જ્યારે તેમના ત્રણ પુત્રો અતુલ, સંજય અને કનકકુમાર ગામમાં કોઈપણ માણસને જમીન લે-વેચ કરવાની હોય તો વચ્ચે રહી વ્યવહાર કરી આપે છે, જેને કારણે સમગ્ર સમાજને બળવંતરાય બારોટના પરિવાર પર આંધળો વિશ્વાસ છે. વર્ષ 2013માં બળવંતરાયના ઘરે સમાજનું સ્નેહમિલન તેમજ ભોજન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. એમાં વેડા ગામના સમાજના મોટા ભાગના બધા લોકો હાજર રહ્યા હતા.

ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાના નામે પૈસા ભેગા કર્યા
એ દરમિયાન યોજાયેલી મીટિંગમાં બળવંતરાયના ત્રણે પુત્રોએ જણાવ્યું હતું કે અમારા કુટુંબના સભ્યોના નામે ઉમતા ગામે આશરે 72 વીઘા જમીન છે, જ્યાં ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવા માગીએ છીએ, જેના થકી સમાજના જરૂરિયાતમંદ છોકરાઓને નોકરી-ધંધો આપવામાં આવશે. એના માટે પૈસાનું મોટું રોકાણ કરવું પડશે, એમ કહી સમાજના સૌકોઈ લોકોએ ભેગા મળીને વેડા ગામના બારોટ સમાજની સહકારી મંડળી બનાવીએ અને એમાં જે સભ્ય જેટલા પૈસા રોકશે એ મુજબ તેનો ભાગ રાખવામાં આવશે.

ઓછા વ્યાજે ચાર ગણી લોન કરી આપવાની વાત કરી
આ ઉપરાંત અતુલ બળવંતરાય બારોટ બેંકમાં અધિકારી હોવાથી પાર્ક ઊભો કરવા ઓછા વ્યાજે ચાર ગણી લોન કરી આપશે એમ જણાવ્યું હતું. ત્યારે તેમના પરિવારની પુત્રવધૂઓ પારુલબેન, વર્ષાબેન અને રક્ષાબેન સહિતના સભ્યોએ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક થકી ગામ તેમજ સમાજનો વિકાસ થાય એ માટે સૌકોઈએ સાથ આપવો જોઈએ અને બે-ત્રણ વર્ષમાં સભ્યોને મૂડી કરતાં ડબલ પૈસા મળી જવાની વાત પણ મૂકી હતી.

લોકોએ તેમના પર વિશ્વાસ મૂકીને પૈસા આપ્યા
બળવંતરાય તેમજ તેમનો પરિવાર હંમેશાં સમાજને મદદ કરતા હોવાથી સૌકોઈ લોકોએ તેમના પર વિશ્વાસ મૂકીને સગવડ મુજબ પૈસા આપવાની શરૂઆત કરી દીધી હતી. એમાં મનહરભાઇ સહિતના 17 લોકોએ રૂપિયા 3,81,50,000 બારોટ પરિવારને ચૂકવી દીધા હતા.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
પરંતુ વર્ષ 2017 સુધી ઈન્ડસ્ટ્રિયલ પાર્ક તેમજ સહકારી મંડળીની કોઈ કામગીરી નહીં થતાં સમાજના લોકોને શંકા ઊપજી હતી, જેથી તપાસ કરતાં બળવંતરાય તેમજ તેમના પુત્રોએ યોગ્ય જવાબ આપવાનું ટાળી દઈ વેડા ગામમાં આવવાનું જ બંધ કરી દીધું હતું. એને પગલે મનહરભાઈની ફરિયાદના આધારે માણસા પોલીસ મથકના પીઆઈ જતીન પ્રજાપતિએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મનહર બારોટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વેડા ગામમાં બારોટ, પ્રજાપતિ, પટેલ એમ અલગ-અલગ જ્ઞાાતિના લોકોના 15 કરોડ જેટલા રૂપિયા બળવંતરાય અને તેમના પુત્રોએ ઉઘરાવી લઈ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી છે. આગામી દિવસોમાં હજી ઘણા લોકો પણ પોલીસ ફરિયાદ દાખલ કરાવશે.

અન્ય સમાચારો પણ છે...