તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દહેગામ એસ.ટી સ્ટેન્ડ નજીક બેફામ બનેલી ટ્રકે બાઇકને ટક્કર મારી, વૃદ્ધાનું ઘટના સ્થળે મોત, કાકા-ભત્રીજાને ઇજા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયડ તાલુકાના જૂના ઉંટરડા ગામના પરિવારને અકસ્માત નડ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ એસ.ટી બસ સ્ટેન્ડ નજીક આજે ટ્રકની ટક્કરથી બાઈક સવાર વૃદ્ધ દંપતિ તેમજ તેમનો ભત્રીજો જમીન ઉપર પટકાયા હતા. તે વખતે જ માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતી ટ્રકના નીચે ચગદાઈ જવાથી વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવના પગલે દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઉંટરડા ગામે રહેતા કલ્યાણસિંહ રૂમાલસિંહ ઝાલા (ઉ.વ.78) તેમના પત્ની અમરત બેન કલ્યાણ સિંહ ઝાલા (ઉ.વ.75) તેમના ભત્રીજા ચંદનસિંહ રામસિંહ ઝાલા(ઉ.વ 33)ની બાઈક પર દહેગામ ખાતે ખરીદી કરવા માટે આવ્યા હતા. માર્કેટમાં ખરીદી કર્યા પછી વૃદ્ધ દંપતી ભત્રીજા ચંદનસિંહના બાઈક પર બેસી ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે બપોરના અરસામાં ટ્રાફિકથી ભરચક રહેતા એસ ટી સ્ટેન્ડથી થોડેક દૂર રોડ પર મઢૂલી ટી સ્ટોલની સામે માટેલા સાંઢની જેમ પૂરઝડપે ડમ્પર ટ્રક (નંબર GJ-08-Y-2258)ના ચાલકે પોતાની ટ્રક પુરપાટ ઝડપે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે વૃદ્ધ દંપતિ તેમજ ચંદનસિંહ જમીન પર પટકાયા હતા.

આ દરમિયાન અમરતબેન ટ્રકના ટાયર નીચે ચગદાઈ ગયા હતા. જેનાં કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જ્યારે કાકા ભત્રીજાને શરીરે ઇજાઓ થતાં તેમને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે આસપાસના વેપારીઓ તેમજ રાહદારી વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા.

અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને એક કલાકથી જામ થઈ ગયેલા ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. દહેગામ પોલીસ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લેવાની તજવીજ હાથ ધરી હતી.

નોંધનીય છે કે, ટ્રાફિકથી ભરચક રહેતા આ રોડ પર અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. તેમ છતાં રોડ પર ફ્રુટ તેમજ શાકભાજીની લારીઓ આડેધડ ઉભી રહેતી હોવાથી આ રોડ પર ટ્રાફિકની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુઃખાવો બની ચૂકી છે. ત્યારે છેલ્લા ત્રણ મહિના દરમિયાન અહીંના રોડ પર અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા બાદ આજે પણ સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધાને જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...