તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને કઠણાઈ:બટાટાના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ કોલ્ડસ્ટોરેજમાં માલ મોકલવા દોટ લગાવી

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
5 વર્ષની સરખામણીએ જિલ્લામાં 12134 હેક્ટરમાં બટાટાનું વાવેતર કરાયું હતું - Divya Bhaskar
5 વર્ષની સરખામણીએ જિલ્લામાં 12134 હેક્ટરમાં બટાટાનું વાવેતર કરાયું હતું
  • ગત વર્ષ કરતા બટાટાના બમણા ઉત્પાદન સામે વેપારીઓએ ભાવ નીચા રાખતાં ખેડૂતોને કઠણાઈ

ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જિલ્લાના ખેડૂતોએ મન મુકીને કુલ 12134 હેક્ટરમાં બટાટાનું વાવેતર કર્યું હતું. આથી ઉત્પાદન પણ બમણું થતાં ખેડૂતોને મોંઘાભાવનું બિયારણ સહિતનો ખર્ચ નિકળી જશે તેવી આશા હતી. પરંતુ હાલમાં પ્રતિ મણ બટાટાનો ભાવ રૂપિયા 100 હોવાથી ખેડૂતોને આર્થિક માર સહન કરી રહ્યો છે. બજારમાં બટાટાના ભાવ નહી હોવાથી ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજ તરફ નજર દોડાવતા લાંબી લાઇનો લાગી છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ જિલ્લામાં 12134 હેક્ટરમાં બટાટાનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું.

જોકે ચાલુ વર્ષે ઠંડી પ્રમાણમાં ઓછી પડી હોવા છતાં બટાટામાં ખેડૂતોની ધારણા કરતા બમ્પર ઉત્પાદન થતા ખેડૂતોને ખર્ચ નિકળી જવાની આશા હતી. જોકે હાલમાં બટાટા કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જ વેપારીઓ દ્વારા બટાટાના ભાવ પ્રતિ મણ રૂપિયા 100 કરી નાંખતા ખેડૂતોની હાલત કફોડી બની રહી છે.

જોકે ચાલુ વર્ષે બટાટાનું બિયારણ પણ મોંઘુ થઇ જતા પ્રતિ 100 કિલોના ભાવ રૂપિયા 3000થી 3500 હતો. ઉપરાંત ખાતર, દવા, પાણી આપવા સહિતનો ખર્ચ વધી જતો હતો. જ્યારે હાલમાં બટાટાના ભાવ તળિયે રહેતા ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટુ મારવા જેવી થઇ હોવાનું ખેડુતોએ જણાવ્યું છે. બટાટાના પોષણક્ષમ ભાવ નહી મળતા કોલ્ડસ્ટોરેજમાં મુકવા તરફ દોટ મુકી છે.

ગત વર્ષ કરતા કોલ્ડસ્ટોરેજના ભાડામાં વધારો
બજારમાં બટાટાના પોષણક્ષમ ભાવ મળતા નથી. તો બીજી તરફ કોલ્ડસ્ટોરેજના માલિકો દ્વારા ચાલુ વર્ષે પ્રતિ કિલો બટાટાએ 30 પૈસાનો વધારો કર્યો છે. આથી ખેડુતોને કોલ્ડસ્ટોરેજમાં બટાટા રાખવા પણ આર્થિક રીતે મોંઘા પડી શકે છે. ગત વર્ષે કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે બટાટાનો પ્રતિ કિલો રૂપિયા 2.20 હતો. જ્યારે ચાલુ વર્ષે પ્રતિ કિલો રૂપિયા 2.50 કર્યો હોવાનું ખેડુતોએ જણાવ્યું છે.બટાટાને કોલ્ડસ્ટોરેજમાં રાખવાના ભાડામાં વધારો કર્યો છે. પરંતુ બજારમાં યોગ્ય ભાવ નહી હોવાથી ખેડુતો બટાટાને કોલ્ડસ્ટોરેજમાં મુકવા તૈયાર થયા છે. આથી 3 કિમી લાંબી લાઇનો લાગી છે.

ગત વર્ષ કરતા બટાટાનો ભાવ ઓછો
ચાલુ વર્ષે બટાટાનો બજારમાં ભાવ પ્રતિ મણે રૂપિયા 100 છે. જ્યારે તેની સામે ગત વર્ષે બટાટાનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 150થી 180 સુધીનો હતો. આથી ચાલુ વર્ષે પ્રતિ મણે ખેડૂતોને રૂપિયા 50થી 80નું આર્થિક નુકશાન થઇ રહ્યું હોવાનું જિલ્લા કિસાન સંઘના પ્રમુખ બી. ચૌધરીએ જણાવ્યું છે.

બટાટાની સાઇઝ મુજબ ભાવ હોય છે
બજારમાં વેપારીઓ દ્વારા નવા બટાટાની ખરીદી માટે 40થી 45 એમએમની સાઇઝનો ચારણો રાખવામાં આવે છે. તેમાં ગુણ ઠાલવી દેવામાં આવે ત્યારે સાઇજના બટાટા રહે તેનો પ્રતિ મણ રૂપિયા 100નો ભાવ અપાય છે. બાકીના વધુ મોટા અને નાના બટાટા પ્રતિ મણ 80 રૂપિયા બજારમાં ચાલતો હોવાનું ખેડુતોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...