લોકોમાં રોષ:વીજ ગ્રાહકોના વાર્ષિક વીજબીલના આધારે સિક્યુરિટી ડિપોઝિટ માગતી યુજીવીસીએલ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ પુરવઠો અપાય છે
  • 1 માસમાં ડિપોઝિટ ભરવામાં નહીં આવે તો પ્રતિ સપ્તાહ 0.25 ટકા સરચાર્જ નોટિસ

વીજ વાપરતા ગ્રાહકોના વાર્ષિક વીજબીલના આધારે સિક્યુરીટી ડિપોઝીટ નક્કી યુજીવીસીએલ દ્વારા કરાતા લોકોમાં રોષ ઉઠ્યો છે. ઉપરાંત નિયત કરેલી સિક્યુરિટી ડિપોઝીટને દિન-30માં ભરવામાં નહી આવે તો પ્રતિ સપ્તાહ 0.25 ટકા સરચાર્જ વસુલવાની નોટીસ ગ્રાહકોને ફટકારવામાં આવતા લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લીમિટેડ દ્વારા વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.

જોકે વીજ કનેક્શન લેનાર ગ્રાહકો પાસે અગાઉ સિક્યુરીટી ડિપોઝીટ પેટે રૂપિયા 30 લેવામાં આવતા હતા. પરંતુ તાજેતરમાં જ વીજ કંપની દ્વારા ગ્રાહકોના વાર્ષિક વપરાશના આધારે સિક્યુરીટી ડિપોઝીટ નક્કી કરવામાં આવતા ગ્રાહકોમાં રોષ ઉઠવા પામ્યો છે. જોકે છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે અનેક લોકોની નોકરી ગુમાવી દીધી છે. ઉપરાંત ધંધા-રોજગારમાં મંદી આવી ગઇ હોવાથી લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. ત્યારે કોરોનાની મહામારીના આવા કપરા સમયમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકોના સિક્યુરીટી ડિપોઝીટમાં એકાએક 99 ઘણો વધારો ઝીંકી દેવાતા લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે.

યુજીવીસીએલ કંપની દ્વારા ગ્રાહકોને વાર્ષિક વીજ વપરાશના આધારે નક્કી કરેલી સિક્યુરીટી ડિપોઝીટની રકમ અંદાજે રૂપિયા 3000ની આસપાસ થતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. જોકે યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોને સિક્યુરીટી ડિપોઝીટ ભરી દેવા દિન-30નો સમય આપતી નોટીસ આપવામાં આવી છે. જો દિન-30માં સિક્યુરીટી ડિપોઝીટ ભરવામાં નહી આવે તો પ્રતિ સપ્તાહ 0.25 ટકા લેખે સરચાર્જ વસુલવામાં આવશે. આ ઉપરાંત વીજ કનેક્શન કાપવાની ચીમકી પણ વીજ કંપની દ્વારા ઉચ્ચારવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ગ્રાહકોના વાર્ષિક વીજબીલના આધારે સિક્યુરીટી ડિપોઝીટ નક્કી યુજીવીસીએલ દ્વારા કરાતા લોકોમાં રોષ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...