ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં સેજપૂર બોઘાનાં બે યુવાનો ડૂબ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતા ગાંધીનગરની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરી બંનેની લાશ બહાર કાઢવામાં આવી હતી. અમદાવાદના સેજપુર બોઘા ખાતે રહેતા બે યુવાનો હાથ ધોવા માટે નીચે ઉતરતા ગાંધીનગરની રાયપુર નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા. બંને યુવાનો ગઈકાલે ફરવા જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. જેઓ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. ત્યારે તેમનું બાઈક તેમજ ચપ્પલ કેનાલ બહારથી મળી આવ્યા હતા.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શૈજપુર બોઘા પરબડી વાસમાં રહેતો પ્રવીણ ભવાનજી ઠાકોર અને પ્રશાંત ધીરું ભાઈ કોળી (કુબેદાસ ચાલી, શૈજપુર) ગઈકાલે બાઈક લઈને ફરવા માટે નીકળ્યા હતા. જેમનું બાઈક અને ચપ્પલ કેનાલ પાસેથી મળી આવતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તપાસ આદરી હતી. જેની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં આજે શોધખોળ શરૂ કરતાં બંનેની લાશ મળી આવી હતી.
પ્રાથમિક તપાસમાં કેનાલ પાસે બાઈકની ચેઇન ઉતરી ગયા ગઈ હતી. જેથી બંનેએ બાઈકની ચેઇન સરખી કરી હતી. જેનાં કારણે હાથ કાળા થતાં બંને કેનાલમાં હાથ ધોવા માટે ઉતર્યા હતા અને અચાનક બન્નેનો પગ લપસી જતાં કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અંગે ડભોડા પોલીસ મથકના જમાદાર ભરતકુમારે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.