સેક્ટર 21માં સરકારી મકાનમાંથી ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મૅચ પર સટ્ટો રમતા 2 સટોડિયાને સેક્ટર-21 પોલીસે ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સેક્ટર-21 પોલીસને બાતમી મળી હતી કે, સેક્ટર 21માં આવેલા સરકારી મકાન નંબર 61/2 જ ટાઇપમાં હાલમાં ચાલી રહેલી ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ આઇપીએલની મૅચ ઉપર સટ્ટો રમવામાં આવી રહ્યો છે. જેને લઇને પોલીસની ટીમ બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી. જ્યાં સિદ્ધાર્થ બકુલેશભાઈ શુક્લ (રહે. મકાન નંબર 61/1, જ ટાઇપ,સેક્ટર-21) સટ્ટા બેટિંગ કરાવી રહ્યો હતો.
તેની સાથે વિરેન્દ્ર ઝાલા (રહે. વાવોલ) સટોડિયાઓ પાસેથી એક ડાયરી જ્યારે મોબાઇલ ફોનમાં બિગ ટાઇમ ગો એપ્લીકેશનમાં મૅચનો લાઇવ સ્કોર બતાવતો હતો, તે જોવા મળ્યું હતું. બંને સટોડિયા મહેસાણાના ઊંઝામાં રહેતા તેમના મિત્ર પવન પટેલ પાસે સટ્ટો કપાવતા હતા. પોલીસે બંને પાસેથી મોબાઇલ ફોન સહિત 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સટોડિયાને છાવરવા પોલીસે ફોન ઉપાડવાનું ટાળ્યું!
સરકારી ક્વોટર્સમાંથી પકડાયેલા આરોપી સિદ્ધાર્થ શુક્લનું સરનામું પણ તે જ બતાવવામાં આવ્યું છે ત્યારે સટોડિયો ક્યાં નોકરી કરે છે? કોના નામથી મકાન મળ્યું છે, તે બાબતની માહિતી માટે તપાસ અધિકારી રાગીણી ખરાડીને ફોન કરવામાં આવ્યા હતા પરંતુ અધિકારી જાણે સટોડિયાને છાવરતા હોય તેમ ફોન રીસીવ કરવાનું ટાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.