ગાંધીનગરના રખીયાલ ખાતે મોબાઈલની દુકાનનાં તાળા તોડી એક મોબાઈલ ફોન તેમજ 70 હજારની ઘરફોડ ચોરી કરનાર બે ચોરને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. જેમની પાસેથી 69 હજાર 780ની મત્તા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આજથી બાર દિવસ અગાઉ રખીયાલનાં હીરામણી કોમ્પલેક્ષમાં આવેલી મોબાઈલની દુકાનના શટરનું તાળા તોડી એક મોબાઈલ ફોન તેમજ ડ્રોવરમાંથી રૂ. 70 હજારની રોકડ ચોરી થવા બાબતે ગુનો દાખલ થયો હતો. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ.પી. ઝાલાની ટીમે ઉક્ત ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે કવાયત હાથ ધરી હતી.
જે અન્વયે પૂર્વ બાતમીના આધારે રખીયાલથી તલોદ જતાં રોડ પરથી લાલ અને સિલ્વર કલરના બાઈક સાથે રવિ મૂળાભાઈ ભરવાડ (રહે. ઉદણ ગામ, દહેગામ) તેમજ કાલુસિંહ માલસિંહ સોલંકી (રહે. દોલતાબાદ, તલોદ)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવાયા હતા.
જેમની પાસેથી મોબાઈલ, રોકડ રકમ અને કોશ બાબતે કડકાઈથી પૂછતાંછ કરતાં આજથી બાર દિવસ અગાઉ રવિ ભરવાડ અને કાળુસિંહ બાઈક લઈને હીરામણી કૉમ્પ્લેક્સ આવ્યા હતા. જ્યાં મોકો મળતાં જ દુકાનનું શટર કોશ વડે તોડીને અંદર પ્રવેશ્યા હતા. અને એક મોબાઈલ ફોન તેમજ 70 હજારની રોકડ ચોરીને પલાયન થઈ ગયાની કબૂલાત કરી હતી.
તેમજ વધુ એક ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ફરી રહ્યા હોવાનું સ્વીકાર્યું હતું. જેનાં પગલે એલસીબીએ 44 હજાર 780 રોકડા, મોબાઈલ ફોન તેમજ બાઈક મળીને કુલ રૂ. 69 હજાર 780 નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.