બે ચોર પલ્સર ઉઠાવી ગયા:ગાંધીનગરના સેકટર-27 એકતા કોલોનીમાંથી બાઈકની ઉઠાંતરી કરતા બે ચોર કેમેરામાં આબાદ રીતે કેદ થયા

ગાંધીનગર13 દિવસ પહેલા
  • સીસીટીવી ફૂટેજનાં આધારે પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

ગાંધીનગરના સેકટર-27ની એકતા સોસાયટીમાંથી રાત્રી દરમિયાન ઘર આગળ પાર્ક કરેલી પલ્સર બાઈકની ઉઠાંતરી કરતાં બે ચોર સીસીટીવી કેમેરામાં આબાદ રીતે કેદ થઈ ગયા છે. પોલીસે સીસીટીવીના આધારે બંને યુવાન ચોરને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવીને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવોએ માઝા મૂકી દીધી છે. એમાંય ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ, સેકટર - 21, સેકટર - 24 શાક માર્કેટ તેમજ સેકટર - 11માંથી છાશવારે વાહન ચોરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે સેકટર-27ની એકતા કોલોનીમાંથી બે ચોર પલ્સર બાઈકની ચોરી કરીને ફરાર થઇ જતાં સેકટર - 21 પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સેકટર-27 એકતા કોલોની મકાન નંબર 748માં રહેતાં કુણાલભાઈ દિનેશચંદ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 9મી મેનાં રોજ રાત્રીના જમી પરવારીને કુણાલભાઇ સૂઈ ગયા હતા. જેમનું પલ્સર બાઇક નંબર (GJ-18-DL-7723) ઘર આગળ પાર્ક કર્યું હતું. બીજા દિવસે સવારે નોકરી જવા માટે કુણાલભાઈ નીકળ્યા ત્યારે ઘર આગળ પાર્ક કરેલ બાઈક કોઈ ચોર ઈસમ ઉઠાવી ગયું હોવાનું માલુમ પડયું હતું.

આ મામલે સેકટર - 21 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. જ્યારે ઘર પાસે આવેલા એક પાર્લરમાં રાત્રીના સમયે બે ચોર પૈકી એક ચોર પાણીની બોટલ ખરીદી કરતા સીસીટીવીમાં કેદ થયો છે. ઉપરાંત ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા બંને ચોરની તમામ ગતિવિધિઓ પણ કેમેરામાં આબાદ રીતે કેદ થઈ ચૂકી છે. જેનાં પગલે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બન્ને ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...