ગાંધીનગરનાં વીઆઈપી સેકટર-1માં આજે સોમવારે વોશિંગ પાઉડર વેચવાના બહાને આવેલા બે લુંટારુઓએ વૃદ્ધાની એકલતાનો ફાયદો ઉઠાવી છરીની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે વૃદ્ધાએ છરી હાથમાં પકડી લઈ પ્રતિકાર કરી બુમરાણ મચાવી મુકતાં બંન્ને લુંટારુ રસ્તામાં તેમનો સામાન ફેંકીને નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે સેકટર-7 પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે.
ગાંધીનગરમાં દિન પ્રતિદિન ચોરી, લૂંટ, બળાત્કાર તેમજ હત્યાના ગુનાઓ વધી જવા પામ્યા છે. સેકટર-29માં વંદે માતરમ્ પાર્કમાં ચોરીની ઘટના, ખાત્રજમાં બાળકીઓ સાથે દુષ્કર્મ અને હત્યા ઉપરાંત કલોલમાં પણ ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. એવામાં વીઆઈપી વિસ્તાર તરીકે જાણીતા સેકટર-1માં પણ વૃદ્ધાની છરીની અણીએ લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
સેકટર-1/સી પ્લોટ નંબર 477/1માં રહેતા હેમંતભાઈ શર્મા વેપકોઝ કંપનીમાં ફરજ બજાવે છે. આજે તેઓ ઓફિસે ગયા હતા, ત્યારે તેમના 64 વર્ષીય પત્ની કિરણબેન ઘરે એકલા હાજર હતા. એ દરમિયાન બે સેલ્સ મેન વોશિંગ મશીનનો પાઉડર વેચવા માટે આવ્યા હતા. એક વર્ષ અગાઉ પણ આ જ સેલ્સમેન વોશિંગ પાઉડર વેચવા માટે આવ્યો હતો, જે પંદર દિવસ પહેલાં પણ કિરણબેનને વોશિંગ મશીનનો પાઉડર આપી ગયો હતો.
તેમ છતાં આજે પણ તે પોતાના સાથીદાર સાથે વોશિંગ મશીનનો પાઉડર વેચવા માટે આવી પહોંચ્યો હતો. આથી કિરણબેને તેને દરવાજાની બહાર ઉભા રહેવાની સૂચના આપી હતી. આ દરમિયાન એક ઈસમે પીવાનું પાણી માંગ્યું હતું. આથી કિરણબેન પાણી લેવા ઘરમાં ગયા હતા. ત્યારે તેમની એકલતાનો લાભ ઉઠાવી બંન્ને લુંટારુ ઘરમાં ઘૂસી ગયા હતા.
જેમાંથી એક લુંટારુએ કિરણબેનનું મોઢું દબાવી દીધું હતું અને બીજાએ છરી કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઝપાઝપી થતાં કિરણબેને છરી હાથમાં પકડી લીધી હતી અને બૂમરાણ મચાવી મૂકી હતી. જેમની બૂમોથી બંન્ને લુંટારુ ગભરાઈને બહારની તરફ દોડ્યા હતા. એટલામાં આસપાસના લોકો પણ એકઠા થઈને લુંટારુઓ પાછળ દોટ લગાવી હતી.
ત્યારે આગળ જઈને લુંટારુઓ તેમનો થેલો ફેંકીને નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં વૃદ્ધ કિરણબેનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના જમણા કાંડામાં છરીની ઈજાઓ થવાથી ટાંકા લેવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે તેમને હાઈટેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં સેકટર-7 પોલીસે સ્થળ પર દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.