તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાધુની આડમાં લૂંટનો ધંધો:નાગા બાવાનો વેશ ધારણ કરી આશ્રમનું સરનામું પૂછવાના બહાને સોનાના દાગીના સેરવી લેતા બે સગા ભાઈઓ ઝડપાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે કલોલ પિયજ કેનાલ પાસેથી બન્નેને ઝડપી લીધા
  • સોનાના દાગીના અને રોકડ રકમ મળીને રૂ. 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર સહિતનાં વિવિધ સ્થળોએ કારમાં ફરી નાગા બાવાનું રૂપ ધારણ કરીને એકલ દોકલ જતી વ્યક્તિઓને રસ્તામાં રોકી આશ્રમનું સરનામું પૂછવાના બહાને ધ્યાન ભટકાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ સેરવી લઈ ફરાર થઈ જનાર બે સગા ભાઈઓને ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીના આધારે કલોલ પિયજ કેનાલ પાસેથી ઝડપી લઈ રૂ. 3 લાખ 22 હજાર 400નાં સોનાના દાગીના તેમજ રૂ. 1 લાખ 50 હજાર રોકડ મળી કુલ. 4 લાખ 72 હજાર 400નો મુદામાલ જપ્ત કરી બે ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.

ગાંધીનગર રેન્જ આઈ.જી અભય ચૂડાસમા તેમજ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ દ્વારા ગાંધીનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવા માટે સક્રિય કામગીરી કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવેલી છે. જેના પગલે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ આરતી અનુરા કાર તેમની ટીમ સાથે કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન કોન્સ્ટેબલ જીગ્નેશકુમારને બાતમી મળી હતી કે બે ઈસમો પિયજ કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા છે જેમાંના એક ઈસમે ભગવાન કલરના કપડા તેમજ બીજાએ ટીશર્ટ તેમજ લોઅર પહેર્યું છે. જેઓ લોકોને વિશ્વાસમાં લઈ દાગીના તેમજ રોકડ રકમ સેરવી લેતા હોય છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમી વાળી જગ્યાએ દોડી જઇને મૂળ ગણેશપુરા દહેગામના હાલ રહે ગલોડિયાનો ટેકરો અમદાવાદના પરદેશી નાથ હજાનાથ પઢીયાર (મદારી) તેમજ તેના ભાઈ જવારીનાથને આબાદ રીતે ઝડપી લીધા હતા. જેઓની અંગ ઝડતી લેતા તેમની પાસેથી સોનાનો દોરો તેમજ લકી કી. રૂ. 3 લાખ 22 હજાર 400 તેમજ રોકડા રૂ. 1.50 લાખ મળી આવ્યા હતા. જેઓની ઊંડાણ પૂર્વક પૂછતાંછ કરવામાં આવતા નાગાબાવાનું રૂપ ધારણ કરીને આશ્રમ સરનામું પૂછવાના બહાને એકલ દોકલ વ્યક્તિને વાતોમાં રાખી દાગીના રોકડ રકમ સેરવી લેતા હોવાની કબૂલાત કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે, બન્ને ભાઈઓ તેના સાગરીત કાળુંનાથ ગુલાબ નાથ મદારી (રહે, ગોકુળપુરા ગાંધીનગર દહેગામ)ની કારમાં ગાંધીનગર ઉપરાંત મહેમદાવાદ મહુધા તેમજ સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં જતા હતા. બાદમાં જવારીનાથ નાગાબાવાનો વેશ ધારણ કરતો હતો અને એકલદોકલ જતી વ્યક્તિઓને આશ્રમનું સરનામું પૂછવાના બહાને રોકીને વાતોમાં ધ્યાન ભટકાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ કાઢી લઈને કારમાં ફરાર થઈ જતા હતા. પાંચ મહિના અગાઉ જ ઉપરોક્ત મોડસ ઓપરેન્ડીથી બ્રહ્મા રોડ પર એક વ્યક્તિનો સોનાનો દોરો કાઢી લીધો હતો જે સંદર્ભે વડાલી પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. જેમની કડકાઈ થી પૂછતાંછ કરતાં બે ગુના નો ભેદ ઉકેલી દાગીના રોકડ રકમ મળી ને કુલ. 4 લાખ 72 હજાર 400 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...