કલોલ પંચવટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જૂદા જૂદા ફ્લેટના ધાબા પરથી ટીવી ચેનલના કેબલ વાયરોની ચોરીના ગુનાને અંજામ આપનાર બે ઈસમોએ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લઈ 54 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે પેટ્રોલિંગ વધાર્યું
કલોલના પંચવટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ફ્લેટના ધાબાઓ પરથી ટીવીના કેબલ વાયરોની ચોરીની ઘટનાઓએ માઝા મૂકી હતી. જેનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાની ટીમ દ્વારા અત્રેના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દઈ બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા.
બાતમીના આધારે બેને ઝડપ્યા
આ દરમિયાન બાતમી મળી હતી કે, સઈજ ઓએનજીસી રેલ્વે બ્રીજ નજીક બે ઈસમો બાઈક લઈને કેબલ વાયરો સાથે ઊભા છે. આથી એસીબીના માણસોએ કે શ્રવણ ઉર્ફે લાલો કાનજી ઠાકોર અને સાહિલ ઉર્ફે સચિન દિપકભાઈ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા.
જેમની પાસેથી એક સ્કૂલ બેગ, કટર, મોબાઈલ તેમજ 780 મીટરના કેબલ વાયરોનાં 25 નંગ ગૂંચળાનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પૂછતાંછ કરતાં તેઓ સાબરમતી થી કલોલ પંચવટી વિસ્તારમાં આવીને જુદા જુદા ફ્લેટના ધાબા ઉપર ચડીને વાયરો કાપીને લઈ જતાં હોવાની કબૂલાત કરી હતી. અને તેને સ્કૂલ બેગમાં ભરીને સંતાડી દેતા હોવાથી કોઇને ખ્યાલ આવતો ન હતો. જેથી બન્નેની ધરપકડ કરી 54 હજાર 300 નો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.