ગાંધીનગરના કોલવડા ગામમાં ચામુંડામાતા નાં મંદિર પાસે રાયણના ઝાડ નીચે ચાલતાં જુગાર ધામ ઉપર પેથાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ પાડી હતી. આ રેડ દરમ્યાન છ જુગારીઓને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડયા હતા. જો કે જુગાર રમવા બેઠેલી બે મહિલાઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી 19 હજાર 320 નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના કોલવડા ગામના ચામુંડામાતા મંદિર નજીક રાયણના ઝાડ નીચે કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠા હોવાથી બાતમી મળતા પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ મૂળરાજસિંહ રાણાની ટીમે રમીબેન જીવણજી ઠાકોરનાં ઘર નજીક રેડ કરવામાં આવી હતી. જ્યાં કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠેલા હતા. જો કે પોલીસને જોઈને જુગારીઓ આડી -અવળી દિશામાં ભાગવા લાગ્યા હતા.
જેનાં પગલે પોલીસે છ જુગારીઓને કોર્ડન કરીને આબાદ રીતે ઝડપી પાડયા હતા. જ્યારે બે મહિલાઓ પોલીસને ચકમો આપીને નાસી જવામાં સફળ રહી હતી. બાદમાં પકડાયેલા ઈસમોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ નિકુલ બાબુજી ઠાકોર ,કિરણ વિષ્ણુજી ઠાકોર,જશુજી અમાજી ઠાકોર, વિષ્ણુજી બાબુજી ઠાકોર (તમામ રહે, કોલવડા ચામુંડાપુરા), પરભુજી વેરસિંહ ઠાકોર (રહે,કોલવડા દિપસિંહ શીવાજી વાઘેલાના બોરકુવા ઉપર) અને ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ વાઘેલા (રહે,કોલવડા) હોવાનું જણાવ્યું હતું.
જ્યારે ભાગી ગયેલી મહિલાઓનાં નામ રમીબેન જીવણજી મથુરજી ઠાકોર તથા ભુરીબેન પ્રતાપજી ઠાકોર (બન્ને રહે.કોલવડા ચામુંડાપુરા) હોવાની કેફિયત વર્ણવી હતી.બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી 11 હજાર 320 ની રોકડ, ચાર મોબાઇલ ફોન તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ.19 હજાર 320 નો મુદામાલ જપ્ત કરી બે મહિલા સહિત આઠ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.