તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:ગાંધીનગરના ઈન્ફોસિટીમાં આવેલા હેવમોર રેસ્ટોરન્ટના માલિકના ઘરે પૈસાની લેતી દેતીમાં બે શખ્સોએ હોબાળો કર્યો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉછીના લીધેલા પૈસા પરત ન કરતાં અને ફોન પર સંતોષકારક જવાબ ન આપતાં બબાલ થઇ
  • હેવમોરના માલિકના પુત્રે રૂપિયા 35થી 40 લાખ સેરવી લીધા હોવાનું બહાર આવ્યું

ગાંધીનગરનાં ઈન્ફોસિટીમાં આવેલા હેવમોર રેસ્ટોરન્ટના માલિકના ઘરે ગઈકાલે રાત્રે બે શખ્સોએ પૈસાની લેતી દેતી બાબતે હોબાળો મચાવતા ઈન્ફોસિટી વસાહતમાં વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. રેસ્ટોરન્ટ માલિકના 26 વર્ષીય પુત્રે લોકો પાસેથી રૂપિયા 35થી 40 લાખ સેરવી લીધા હોવાના કારણે અવારનવાર માથા કૂટ થતી હોવાનું ઈન્ફોસિટી પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે. જોકે, કાયદાની રૂહે પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસનાં જણાવ્યા અનુસાર, ઈન્ફોસિટી ટાઉનશીપમાં રહેતા રાકેશ શાંતિલાલ ઠક્કર ઈન્ફોસિટી ખાતે હેવમોર રેસ્ટોરન્ટનાં માલિક છે. જેમના પરિવારમાં પત્ની તેમજ પુત્ર હિત (ઉ. 26) તેમજ સ્મિત( ઉ. 18) છે. ભૂતકાળમાં તેમના મોટા પુત્ર હિત દ્વારા સરગાસણમાં સત્યમેવ રોયલમાં રહેતા પરિમલસિંહ ચંદનસિંહ રાઠોડ પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા. જે બાબતને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પરિમલસિંહે પોતાના પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ હિત ઠક્કર પૈસા પરત કરવા બાબતે ગલ્લા તલ્લાં આપતો રહેતો હતો. ગઈકાલે પણ પરિમલસિંહે ફોન કરીને રાકેશ ઠક્કર સાથે શાબ્દિક બોલાચાલી કરી પૈસાની ઉઘરાણી કરી હતી, પરંતુ રાકેશ ઠક્કરે ફોન કાપી નાખ્યો હતો. આથી પરિમલસિંહ તેના સાગરિત રવિ રબારીને લઈને ઈન્ફોસિટી ટાઉનશિપ પહોંચી ગયો હતો. જ્યાં બંગલાની બહાર ઉભા રહીને બન્નેએ પૈસા બાબતએ ગાળા ગાળી શરૂ કરી દીધી હતી. જેનાં કારણે આસપાસના વસાહતીઓ પણ બહાર દોડી આવ્યા હતા.

ત્યારે રાકેશ ઠક્કરે પુત્ર હિતે લીધેલા પૈસાનો હિસાબ લખી આપવાની વાત કરતાં બંને શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને રાકેશ ઠક્કરને કહેવા લાગેલા કે, પૈસા તો જખ મારીને પણ આપવા પડશે કહીને ઝપાઝપી શરૂ કરી દીધી હતી. જેનાં પગલે રાકેશ ઠક્કરે કંટ્રોલ રૂમમાં ફોન કરતા બન્ને શખ્સો ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.

આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકના ઈન્સ્પેક્ટર પી.પી. વાઘેલાએ જણાવ્યું હતું કે, પરિમલસિંહ નાણાં ધીરનારનું લાયસન્સ ધરાવે છે. જેણે ફરિયાદીના પુત્રને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. જેની વારંવાર માંગણી કરતા બન્ને શખ્સોએ માથાકૂટ કરી હતી. તપાસ દરમિયાન ફરિયાદીના પુત્રે અનેક લોકો પાસેથી રુપિયા 35થી 40 લાખ સેરવી લીધા હોવાનું ખુલવા પામ્યું છે. જ્યારે બાપ દીકરા વિરુદ્ધ 138 એકટ હેઠળ ફરિયાદ પણ દાખલ થયેલી છે. હાલમાં તો કાયદાની રૂહે બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...