તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ત્રણ જિલ્લામાંથી મોબાઇલ ટાવરની બેટરીઓ ચોરી કરતી ગેંગના બે સાગરિતો ગાંધીનગરના સઇજથી ઝડપાયા

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂ. 5 લાખ 22 હજાર 600નો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા, અમદાવાદ ગ્રામ્ય તેમજ ગાંધીનગર જિલ્લામાંથી મોબાઇલ ટાવરોની 182 નંગ બેટરીઓ પીકઅપ ડાલામાં ચોરીને સ્ક્રેપમાં વેચી મારી પૈસા અંદરો અંદર વહેંચી લેતી ગેંગના બે સાગરિતોને ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ દ્વારા સઈજ જીઆઈડીસી વિસ્તારમાંથી પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ 42 નંગ બેટરી, મોબાઈલ ફોન તેમજ પીકઅપ ડાલું મળીને કુલ રૂ. 5 લાખ 22 હજાર 600 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ત્રણ આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ટાવરોની બેટરીઓ ચોરાઈ જવાની વ્યાપક બૂમરાણ ઉઠતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ ગુનાનો ભેદ ઉકેલી દેવા સૂચનાઓ આપવામાં આવેલી હતી. જેનાં પગલે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વાય વાય ચૌહાણ સ્ટાફના માણસો સાથે કલોલ સઈજ વિસ્તારમાં પેટ્રોલીંગ માટે નિકળ્યા હતા.

આ દરમિયાન બાતમી મળી હતી કે, સઈજ જીઆઈડીસી પાસે એક પીકઅપ ડાલા નંબર (GJ-27-X-9565)માં બે ઈસમો બેટરીઓ લઈને વેચવા ફરી રહ્યા છે જેના પગલે પોલીસ ટીમે ઉક્ત નંબરના પીકઅપ ડાલા સાથે ભરત ઉર્ફે સન્ની ગોપાલભાઈ શર્મા (રહે. જુની રેલવે લાઇન જવાહર નગર છાપરા, વાડજ) અને ધનરાજ મોહનભાઈ બેરવા (રહે. રબારી વાસ હાથીજન અમદાવાદ) ને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ અંગે ઈન્સ્પેક્ટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે, બેટરી ચોરતી ગેંગના બંને સાગરીતો પાસેથી 24 નંગ મોબાઇલ ટાવર ની બેટરી મળી આવી છે. કડકાઇથી પૂછતાછ કરતા ભરત શર્માએ કબૂલાત કરી હતી કે ઓઢવ સગુણા પાર્કમાં રહેતો ભગવાનસિંહ ઉર્ફે રાજુ સુરેશભાઈ રાજપૂત, જગદીશપુર કે જગો અને નારાયણ તૈલી વિગેરેની ગેંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં સક્રિય થઈ હતી.

ભગવાનસિંહનાં પીકઅપ ડાલામાં નીકળી આ ગેંગ મહેસાણા અમદાવાદ ગ્રામ્ય તેમજ ગાંધીનગર જિલ્લામાં મોબાઇલ ટાવરોની બેટરી ચોરી ભંગારમાં વેચી મારતા હતા. અત્યાર સુધીમાં કડી કારોલી છત્રાલ તેમજ મણિપુર વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવરની 182 જેટલી બેટરીઓ આ ગેંગ ચોરી ચૂકી છે. તે સિવાય ઈસંડની સ્ટીલ કંપની માંથી લોખંડની પ્લેટો તેમજ ડીવીઆર ની પણ ચોરીને આ ગેંગે અંજામ આપ્યો હતો.

ભરત શર્મા છોકરીને લઈને ભાગી ગયો હોવાથી પૈસાની જરૂરિયાત પડતા છત્રાલ બ્રિજ પાસેની દુકાનનાં તાળા તોડી બેટરીઓ ચોરીને વેચવા જતા પકડાઈ ગયો છે. જેનાં વિરુદ્ધમાં ઘરફોડ ચોરીના બે ગુના ઉપરાંત પાસા પણ થયેલી છે. જ્યારે ભગવાન સિંહ રાજપૂત વિરુદ્ધ ઘરફોડ ચોરીના 4 ગુના નોંધાયેલા છે.

આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કલોલ, કડી તેમજ સાંતેજ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે જેમની પાસેથી રૂ. 5 લાખ 22 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ત્રણ આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે તેમ વધુમાં ઇન્સ્પેકટર વાઘેલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...