મોતની દીવાલ:દહેગામના સાંપામાં કોલ્ડ સ્ટોરેજની દીવાલ ધસી પડતાં બે મજૂરોનાં મોત, ત્રણ ઘાયલ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેગામ તાલુકાના સાંપા પાસે લવાડ રોડ ઉપર કોલ્ડ સ્ટોરેજમાં ચાલતાં પાણીની ટાંકી બનાવવાની કામગીરી દરમ્યાન અચાનક દીવાલ ધસી પડતાં પાંચ મજૂરો દટાઈ ગયા હતા. જે પૈકી બે મજૂરોના મોત નિપજ્યા છે જ્યારે ત્રણને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

દહેગામના સાંપા - લવાડ રોડ પર આવેલ કોલ્ડ સ્ટોરેજમાં પાણીની નવી ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક દીવાલ ધસી પડતાં પાંચ મજૂરો માટી નીચે દટાઈ ગયા હતા. ઘટનાના પગલે આસપાસના મજૂરો દોડી આવ્યા હતા. અને પાંચેય મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

જે પૈકી સંતરામપુરનાં રમણભાઈ દેવજીભાઈ પારઘી (ઉ. 40) અને મહેન્દ્ર લાલજીભાઈ પારઘી(ઉ. 22) નાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ મજૂરોને શરીરે વધતી ઓછી ઈજાઓ થવા પામી હતી. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

તદ્ઉપરાંત પોલીસે પણ કોલ્ડ સ્ટોરેજ ખાતે દોડી આવી મૃતક મજૂરોની લાશનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી ની તજવીજ શરૂ કરી કરી હતી. જ્યારે અચાનક સર્જાયેલી દુર્ઘટના કોની બેદરકારીથી ઘટી તે જાણવા માટે પોલીસે સાઈટ પર કામ કરતાં મજૂરોની પૂછતાંછ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...