ચેઇન સ્નેચરોએ તો ભારે કરી!:ચંદ્રાલા રોડ પર છાશવારે દારૂ-હથિયારો પકડતી પોલીસને પડકાર, ASIની પત્નીના ગળામાંથી બે ઈસમો દોરો તોડીને નાસી ગયા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા રેલવે પોલીસમાં પતિની નોકરીના કારણે 21 દિવસ પછી પત્નીએ ચીલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ગાંધીનગરના ચીલોડા-હિંમતનગર હાઇવે ચંદ્રાલા રોડ પરથી વાહન ચેકીંગ દરમિયાન છાશવારે વિદેશી દારૂ અને હથિયારોની હેરફેર ઝડપી લેતી પોલીસને બાઈક પર આવેલા ચેઇન સ્નેચરોએ પડકાર ફેંક્યો હોય તેવી ઘટના બની હતી. ચેઈન સ્નેચરો વડોદરા રેલ્વે પોલીસમાં ફરજ બજાવતાં ASIના પત્નીના ગળામાંથી સોનાનું ડોકીયું તોડીને સિફતપૂર્વક પલાયન થઈ ગયા હતા. ત્યારે પતિની પોલીસની નોકરીના કારણે મહિલાએ 21 દિવસ પછી ચીલોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ગાંધીનગરનાં ચીલોડા-હિંમતનગર હાઇવે રોડ પર ચંદ્રાલા પાસેથી અવારનવાર વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ અને હથિયારોની હેરફેર ઝડપી લેવામાં આવતી રહે છે. ત્યારે આ જ રોડ પર ચેઇન સ્નેચરો બપોરના સમયે બાઈક સવાર મહિલાનાં ગળામાંથી દોરો તોડીને પોલીસને પડકાર ફેંકીને નાસી ગયાની ઘટના સામે આવી છે. મૂળ નવા નરોડા હાલમાં અકોટા રેલ્વે પોલીસ લાઈનમાં રહેતાં શારદાબેનનાં પતિ નરસિંહભાઈ ચાવડા વડોદરા રેલ્વે પોલીસ લાઈનમાં આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે.

અમદાવાદના નવા નરોડાથી ગત તા. 11મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે દંપતી બાઈક પર તાજપૂર કુઈ રહેતાં સાળાનાં ઘરે જવા માટે નીકળ્યા હતા. એ દરમિયાન અમદાવાદથી હિંમતનગર હાઇવે રોડ પરથી પસાર થતી વખતે ત્રણ વાગ્યાના અરસામાં ચંદ્રાલાથી મજરા તરફ મહારાજા હોટલ સામેના રોડ પર અચાનક પાછળથી આવેલા બાઈક સવાર બે ઈસમો પૈકીના એક ઈસમે શારદાબેનનાં ગળામાંથી સોનાનું ડોકિયું લુંટી લીધું હતું, અને પૂરપાટ ઝડપે બાઇક પર ફરાર થઈ હતા.

અચાનક હાઇવે રોડ પર ચેઇન સ્નેચરોનો ભેટો થઈ જતાં શારદાબેન હેબતાઈ ગયા હતા અને બુમાબુમ પણ કરી હતી. પરંતુ બાઈક સવાર ચેઇન સ્નેચરો આંખના પલકારામાં પૂરપાટ ઝડપે પલાયન થઈ ગયા હતા. તો પતિને વડોદરા રેલ્વે પોલીસમાં નોકરી તેમજ દીકરીનો પણ અભ્યાસ હોવાથી બન્ને જણા તાજપૂર ભાઈને મળીને વડોદરા જતાં રહ્યાં હતાં. આ અંગે શારદાબેન ચાવડાએ ચીલોડા પોલીસ મથકમાં 68 હજારની કિંમતની સોનાનું ડોકિયું ચેઇન સ્નેચરો તોડીને નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...