ગેંગરેપ પીડિતાને ધમકી:ઈન્ફોસિટી ક્લબના પાર્કિંગમાં મિત્રો સાથે આવેલી પીડિતાને ધમકાવી બે શખ્સો ફરાર, કેસમાં સમાધાન કરી લેવા દબાણ કર્યું

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બળાત્કારના આરોપીઓના માણસો હોવાની પીડિતાને શંકા

અમદાવાદમાં ગેંગરેપનો ભોગ બનનાર પીડિતા ગઈકાલે ઈન્ફોસિટી કલબ ખાતે મિત્રો સાથે આવી હતી. એ દરમિયાન બાઈક ઉપર આવેલા બે ઈસમોએ પીડિતાને સમાધાન કરી લેવા માટે ધાક ધમકી આપી હતી. આ મામલે પીડિતાએ બળાત્કારના આરોપીઓએ બે ઈસમોને મોકલીને ધાકધમકી આપી હોવાની શંકા વ્યક્ત કરી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ભોગ બનનાર પીડિતાએ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં પીજી હોસ્ટેલમાં રહેતી 24 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના ઉપર સામુહિક બળાત્કાર થયો હતો. જે મામલે મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ) માં ફરિયાદ દાખલ કરાવી હતી. આ અંગે ગોતા રહેતા પ્રજ્ઞેશ હર્ષદભાઈ પટેલ, જીતેન્દ્રપૂરી બળદેવપૂરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ અને નીલમ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ આરોપીઓ પૈકી જૈમિન પટેલનું અવસાન થયું છે. જ્યારે બાકીના આરોપીઓ પૈકી પ્રજ્ઞેશ પટેલ તા.6/6/2022 સુધી સુપ્રીમ કોર્ટમાંથી જામીન ઉપર છૂટેલો છે. તેમજ જીતેન્દ્રપૂરી ગોસ્વામીએ પણ વચગાળાના જામીન મેળવ્યા છે.

ગઈકાલે તા. 8 મી જુનના રોજ પીડિતા તેના મહિલા વકીલ મિત્ર પુનિતા જોષીને મળવા નવરંગપૂરા ગઈ હતી. ત્યાંથી જમવા માટે પીડિતા તેમજ પુનિતા જોશી અને તેમના પતિ રાહુલ કાર લઈને ઈન્ફોસિટી કલબ ખાતે જમવા માટે આવ્યા હતા.અહીં કારમાંથી બંને બહેનપણી ઉતરી હતી અને રાહુલ શર્મા કારમાં હવા પુરાવા માટે બહાર નિકળ્યા હતા. તે વખતે બે ઈસમો કાળા કલરના સ્પોર્ટ્સ બાઈક ઉપર આવ્યા હતા. જેમાં એક ઈસમે કાળા કલરનાં કપડાં તેમજ બીજાએ સફેદ પઠાણી પહેર્યું હતું. જેઓ સહેજ આગળ જઈને યુ ટર્ન લઈ પીડિતાની નજીક આવી જતાં પુનિતા જોશીએ કોનું કામ છે એવા સવાલો કરતાં પાછળ બેઠેલા ઈસમે એક છરો કાઢ્યો હતો.આથી પીડિતા ગભરાઈ જતાં બૂમો પાડીને દોડવા લાગી હતી. જ્યારે મહિલા વકીલે પણ દોટ મૂકી હતી. તો બાઈક સવાર ઈસમો પણ ભાગી ગયા હતા.

પીડિતાને ફોન કરી આરોપીઓ સાથે સમાધાન કરી લેવા ધમકી
​​​​​​​100 નંબર ડાયલ કરતા ફોન લાગ્યો ન હતો. એટલે મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરતા તેમણે ઈન્ફોસિટી પોલીસ મથક પહોંચી જવા કહ્યું હતું. બાદમાં રાત્રે અગિયાર વાગે મિસ કોલ આવ્યા પછી તુરંત ફોન આવ્યો હતો. જે પીડિતાએ રિસીવ કરતા સામેવાળા ઈસમે કહ્યું હતું કે જીતુભાઈ ઔર પ્રજ્ઞેશભાઈ કે સાથ સમાધાન કર લેના નહીં તો અગલી બાર બચેગી નહીં. તેમ કહી બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. આ અંગે પીડિતાએ બંને ઈસમોને પ્રજ્ઞેશ અને જીતુ ગોસ્વામી એ મોકલ્યા હોવાની શંકા વ્યક્ત કરી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...